Homeગુજરાતીદેશ-વિદેશઅભિજીત દીપકેની પોલીસે કરી અટકાયત, તિરંગા માર્ચ ન કાઢવા પાઠવી નોટિસ

અભિજીત દીપકેની પોલીસે કરી અટકાયત, તિરંગા માર્ચ ન કાઢવા પાઠવી નોટિસ

નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2026: દિલ્હીના કોણૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) દ્વારા પ્રસ્તાવિત ‘લહેરા દો તિરંગા’ માર્ચને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે લોકોને સેન્ટ્રલ પાર્ક તરફ ન જવાની અપીલ કરી છે, કારણ કે ત્યાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેને રાણી ઝાંસી રોડ સ્થિત તેમના નિવાસસ્થાને જઈને માર્ચ ન કાઢવા બાબતનો નોટિસ પણ પાઠવી છે. દરમિયાન પોલીસે અભિજિત દીપકેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સીજેપીના સભ્યો આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડના વિરોધમાં અભિજીત દીપકે દ્વારા શુક્રવારે સાંજે કોણૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતે આ માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. સીજેપીના નેતાઓને આ પ્રદર્શનથી રોકવા માટે 15 થી 20 પોલીસકર્મીઓનો કાફલો તેમના ઘરે પહોંચ્યો હતો. આ માર્ચને રોકવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા સેન્ટ્રલ પાર્ક શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે.

વિરોધ પ્રદર્શનની સંભાવનાને જોતા નવી દિલ્હી વિસ્તારમાં 6 હજારથી વધુ પોલીસ જવાનો, સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સની 220 કંપનીઓ અને વ્યાપક સ્તરે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. કોણૉટ પ્લેસ, રાજીવ ચોક, સેન્ટ્રલ પાર્ક, જંતર-મંતર, પાલિકા બજાર અને લ્યુટિયલ્સ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાના 5 હજાર જવાનોને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

  • સુપ્રીમ કોર્ટે તત્કાલિક સુનાવણી ફગાવી

બીજી તરફ, NDMC દ્વારા સેન્ટ્રલ પાર્ક બંધ રાખવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વહેલી તકે સુનાવણીની માગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જોકે, કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે તમામ પક્ષો સમજદારીથી કામ લેશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત અને ન્યાયાધીશ જોયમાલ્ય બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે પાર્ક બંધ રહેવાથી નાના વેપારીઓ અને તેમના પરિવારોને રોજગારી બાબતે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની અમને ગરિમાપૂર્વક સમજ છે. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 26 કે 27 ઓક્ટોબરે સૂચિબદ્ધ કરવાનો સંકેત આપ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular