પેરિસ, 18 ઓક્ટોબર 2026: યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, આવાસ સંકટ અને રાજકીય નેતૃત્વ સામેના વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. શનિવારે ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી, પોર્ટુગલ અને અલ્બેનિયાના વિવિધ શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
ફ્રાન્સમાં વધતી જતી કિંમતો અને જાહેર સેવાઓમાં થયેલા ઘટાડાના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં જોવા મળેલા પ્રદર્શનોમાં આ સૌથી હિંસક પ્રદર્શનો પૈકીનું એક બની ગયું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જણાવ્યું હતું કે દેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.
આંતરિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, 272 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેરિસ, માર્સેલી, રેનેસ, ટૂલૂઝ અને એન્જર્સ જેવા શહેરોમાં ચહેરા ઢાંકેલા વ્યક્તિઓ દ્વારા હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં લૂંટના પ્રયાસો, પોલીસ સાથે ઘર્ષણ, રસ્તા પરની વસ્તુઓને આગ લગાડવી, તેમજ સત્તાના કેન્દ્રો અને મીડિયા સંસ્થાઓને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે.
મંત્રાલયે આ માટે “અતિ-ડાબેરી” જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. લ્યોન શહેરમાં, પ્રદર્શનકારીઓએ પ્રવાસન કાર્યાલયને આગ લગાડી દીધી. આ વિરોધ પ્રદર્શનો ગયા મહિને પેરિસની હાઈ સ્કૂલોમાં શરૂ થયા હતા.
ત્યાં શિક્ષકોની અછત અને નબળી સુવિધાઓને લઈને જે રોષ ઉદ્ભવ્યો હતો, તે પાછળથી એક મોટા આંદોલનમાં પરિવર્તિત થયો; આ આંદોલનમાં અસમાનતા, સરકારી ખર્ચ અને જીવનધોરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બેલ્જિયમમાં પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે
ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની અસર હવે બેલ્જિયમ સુધી પહોંચી ગઈ છે. શનિવારે, લિએજ (Liège) શહેરમાં સેંકડો વિદ્યાર્થીઓએ શિક્ષણના વધતા ખર્ચ, વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની વધુ પડતી સંખ્યા અને અભ્યાસ સામગ્રીની અછત સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનો દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બ્રસેલ્સમાં પણ શનિવારે સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસ સાથે અથડાયા. આ પ્રદર્શન અમુક અંશે ફ્રાન્સમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોથી પ્રેરિત હતું.
ઈટાલી, અલ્બેનિયા અને પોર્ટુગલમાં પણ વિરોધ પ્રદર્શનો
ઇટાલીના મિલાનમાં મોંઘવારી વિરુદ્ધના એક મોરચા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. મધ્યમાં આવેલા ‘કેથેડ્રલ સ્ક્વેર’ને ખાલી કરાવવા માટે પોલીસે અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો. બોલોન્યામાં પણ દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી ANSA અનુસાર, ત્યાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અલ્બેનિયામાં, વિદ્યાર્થીઓએ સતત પાંચમા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું અને વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માંગ કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન, પોલીસે દેખાવકારો પર રબરની ગોળીઓ ચલાવી હોવાનો આરોપ છે.
પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે આવાસ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશમાં 2017થી આવાસના ભાવો બમણા થઈ ગયા છે, જેના પરિણામે ગંભીર આવાસ સંકટ સર્જાયું છે. આ રેલીનું આયોજન દેશના સૌથી મોટા મજૂર સંગઠન ‘સીજીટીપી’ (CGTP) દ્વારા કરવામાં આવ્યું હતું. સંગઠનના જણાવ્યા અનુસાર, રાજધાનીના મુખ્ય માર્ગો પૈકીના એક પર હજારો લોકો એકત્ર થયા હતા.
વધુ વાંચો: સાઉદી અરેબિયામાં AH-6i હેલિકોપ્ટર ક્રેશ, બે ક્રૂ મેમ્બર્સનાં મોત


