Homeગુજરાતીદેશ-વિદેશમણિપુરમાં હિંસાઃ બે વ્યક્તિની ગોળી મારી કરાઈ હત્યા, ઘટનાના વિરોધમાં CM આવાસ...

મણિપુરમાં હિંસાઃ બે વ્યક્તિની ગોળી મારી કરાઈ હત્યા, ઘટનાના વિરોધમાં CM આવાસ બહાર વિરોધ

ઇમ્ફાલ, 19 ઓક્ટોબર 2026: મણિપુરમાં સોમવારે હિંસાની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. જંગલમાંથી લાકડા લેવા ગયેલા બે લોકોની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હુમલામાં અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ લાપતા છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો મૃતકોના શબ લઈને સીધા મુખ્યમંત્રી આવાસના મુખ્ય દરવાજા બહાર પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જિલ્લાની સરહદ પાસે બની હતી. ખોંગબલ સુનુરોક ઉયોકા વિસ્તારમાં કેટલાક ગ્રામવાસીઓ પોતાના ગામ પાસેની પહાડીઓ પર જલાઉ લાકડા લેવા ગયા હતા. આ જગ્યા ઇમ્ફાલ પૂર્વના નોંગશુમ ગામથી માત્ર થોડા જ મીટર દૂર છે. સોમવારે સવારે અંદાજે 7 વાગ્યે કુલ 16 લોકો લાકડા લેવા નીકળ્યા હતા, તે દરમિયાન શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં 35 વર્ષીય અરુબમ રોનિલ અને 51 વર્ષીય લૈરેનલાકપમ ઇનોબીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ત્રણ લોકોની ભાળ હજુ સુધી મળી નથી.

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા લોકો બંને મૃતકોના શબ લઈને રાજધાની ઇમ્ફાલ પહોંચ્યા હતા અને બાબુપારા વિસ્તારમાં સ્થિત મુખ્યમંત્રી આવાસના મુખ્ય ગેટ બહાર મૃતદેહ મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ મે 2-23થી રાજ્યમાં ચાલી રહેલી હિંસા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉઠાવ્યા હતા.

  • પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ

મુખ્યમંત્રી આવાસ બહાર પ્રદર્શન કરી રહેલી ઉગ્ર ભીડને નિયંત્રિત કરવા અને હટાવવા માટે પોલીસે આંસુ ગેસના (ટીયર ગેસ) શેલ છોડવા પડ્યા હતા. સ્થિતિ વણસતા પોલીસે બંને શબને ત્યાંથી હટાવીને ‘જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ’ખાતે ખસેડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્તો પૈકી કે. દેવેનની તબિયત અત્યંત ગંભીર બની રહી છે. આ ઘટના સમયે મુખ્યમંત્રી પોતાના આવાસ પર હાજર હતા કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ તાજા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ડરનો માહોલ છવાઈ ગયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular