Homeગુજરાતીખોરાકઘરે જ બનાવો માર્કેટ જેવી ટેસ્ટી કેસર પિસ્તા મિલ્ક કેક, જાણો રેસિપી

ઘરે જ બનાવો માર્કેટ જેવી ટેસ્ટી કેસર પિસ્તા મિલ્ક કેક, જાણો રેસિપી

જ્યારે પણ ઘરમાં મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે બજારમાંથી મોંઘી અને ભેળસેળયુક્ત મીઠાઈ લાવવાની જરૂર નથી. જો તમારી રસોડામાં દૂધ, મિલ્ક પાઉડર અને થોડા સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ) ઉપલબ્ધ હોય, તો તમે ખૂબ જ સરળતાથી સ્વાદિષ્ટ અને મલાઈદાર ‘કેસર પિસ્તા મિલ્ક કેક’ તૈયાર કરી શકો છો. કેસર અને પિસ્તાની સુંગધ આ મિલ્ક કેકનો સ્વાદ અનેકગણો વધારી દે છે. તહેવારોની મોસમ હોય કે ઘરે કોઈ ખાસ મહેમાન આવ્યા હોય, આ હોમમેઇડ મિલ્ક કેક સૌનું મન જીતી લેશે.

  • કેસર પિસ્તા મિલ્ક કેક માટે જરૂરી સામગ્રી

ફુલ ક્રીમ દૂધ: 1 લીટર
મિલ્ક પાઉડર: 4થી 5 મોટા ચમચી
ખાંડ: અડધો કપ
ઘી: 1 મોટો ચમચી
કેસરના તાંતણા: 8 થી 10
હૂંફાળું દૂધ: 2 મોટા ચમચી
ઇલાયચી પાઉડર: અડધી ચમચી
બારીક સમારેલા પિસ્તા: 2 થી 3 મોટા ચમચી
સજાવટ માટે કટ કરેલી બદામ: થોડી (ઓપ્શનલ)

  • બનાવાની સરળ રીત

સૌપ્રથમ એક નાની વાટકીમાં 2 મોટા ચમચી હૂંફાળું દૂધ લો અને તેમાં કેસરના તાંતણા નાખીને આશરે 10 મિનિટ માટે બાજુ પર મૂકી દો. આવું કરવાથી કેસરનો રંગ અને સુગંધ દૂધમાં સારી રીતે ભળી જશે. જો તમે મિલ્ક કેકનો રંગ વધુ આકર્ષક ઈચ્છતા હોવ, તો દૂધમાં નાખતા પહેલા કેસરને આંગળીઓથી હળવું મસળી શકો છો. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લો અને તેમાં ફુલ ક્રીમ દૂધ ઉમેરીને મધ્યમ આંચ પર ગરમ કરો. દૂધમાં ઉભરો આવ્યા બાદ આંચ ધીમી કરી દો. દૂધ કઢાઈના તળિયે ચોંટે નહીં, તે માટે તેને વચ્ચે-વચ્ચે સતત હલાવતા રહો.

દૂધમાં મિલ્ક પાઉડર ઉમેરો અને સતત હલાવતા રહીને મિક્સ કરો. થોડી જ વારમાં દૂધ ઘટ્ટ થવા લાગશે. ત્યારબાદ તેમાં અગાઉ તૈયાર કરેલું કેસરવાળું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે કઢાઈમાં ખાંડ ઉમેરો અને ધીમી આંચ પર મિશ્રણને સતત હલાવતા રહીને પકાવો. આ પ્રક્રિયામાં ઉતાવળ ન કરતા ધીમે-ધીમે પકાવવાથી મિલ્ક કેકનો અસલી દાણાદાર અને મલાઈદાર સ્વાદ આવશે. જ્યારે મિશ્રણ પૂરતું ઘટ્ટ થઈ જાય અને કઢાઈની કિનારીઓ છોડવા લાગે, ત્યારે તેમાં એક ચમચી ઘી અને ઇલાયચી પાઉડર ઉમેરી દો. હવે તેને સતત હલાવતા રહીને વધુ થોડી મિનિટો માટે પકાવો.

ધ્યાન રાખો કે મિશ્રણ બિલકુલ સુકાઈ ન જાય. તેને હળવું નરમ અને ભેજવાળું (મોઈસ્ટ) જ રાખો, કારણ કે ઠંડુ થયા પછી મિલ્ક કેક વધુ સેટ થઈ જાય છે. હવે ગેસ બંધ કરી દો અને મિશ્રણને એક-બે મિનિટ માટે ઠંડુ થવા દો. એક ટ્રે કે ચોરસ ડબ્બામાં હળવું ઘી લગાવીને આ મિશ્રણ તેમાં સરખી રીતે ફેલાવી દો. ઉપરથી બારીક સમારેલા પિસ્તા અને બદામ ભભરાવીને હળવા હાથે દબાવી દો.

  • સર્વ કરવાની રીત

મિલ્ક કેકને રૂમ ટેમ્પરેચર પર સંપૂર્ણપણે ઠંડુ થવા દો. ત્યારબાદ તેને આશરે 1 થી 2 કલાક માટે ફ્રિજમાં મૂકી દો. જ્યારે તે સારી રીતે સેટ થઈ જાય, ત્યારે ચપ્પુની મદદથી ચોરસ કે મનપસંદ આકારમાં કાપી લો. ઉપરથી થોડા વધુ પિસ્તા ભભરાવીને પરિવાર સાથે માણો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular