
વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો હોય તેમ સામાન્ય વરસાદમાં રોડ પર ભૂવાઓ પડી રહ્યા છે. ગઈકાલે શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટરના રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જતાં 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો. ભૂવો વધુ મોટો થવાની શક્યતાને ધ્યાને રાખી મ્યુનિના સત્તાધિશોએ રોડ પરની એક બાજુનો રસ્તો બેરિકેડ લગાવી બંધ કર્યો છે. જ્યારે ડ્રેનેજ લાઈન બેસી જતાં ડ્રેનેજના પાણી ઉલેચવા પંપ મૂકવામાં આવ્યા છે.
વડાદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી અને જલારામ નગર વસાહત તરફ જતા માર્ગ પર ઘણા સમયથી ડ્રેનેજ લાઈન ઊભરાવાની સમસ્યા સર્જાઈ છે. કલાદર્શન તરફ પાણીનો નિકાલ નહિ થતો હોવાથી અંદાજિત 20 હજારથી વધુ લોકોને ડ્રેનેજ ચોકઅપ થવાથી મુશ્કેલી પડી રહી છે. તેવામાં ગુરુવારે આ 18 મીટરના રોડ પર દર્શનમ વર્ટિકા બહાર મસ મોટો ભૂવો પડ્યો હતો. ડ્રેનેજ લાઈન બેસી જવાના કારણે 10 ફૂટ પહોળો ભૂવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂવાનો આકાર વધવાની સંભાવના હોવાથી 18 મીટરના રોડ પર એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કરાવ્યો છે અને ડ્રેનેજનાં પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલ નિરીક્ષણ કરાઈ રહ્યું છે. 3-4 દિવસ બાદ તેનું સમારકામ કરવામાં આવશે.
મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, કલાદર્શનથી ઉમા ચાર રસ્તા તરફ જતી ડ્રેનેજ લાઈન વર્ષોથી ચોકઅપ હતી. પાણીના નિકાલ માટે 1.50 કરોડના ખર્ચે 3 સ્થળે જૂની લાઈનને નવી લાઈનમાં ક્રોસિંગ કર્યું હતું, છતાં સમસ્યાનો નિકાલ આવ્યો નથી. પુષ્પક સોસાયટી અને દેવયાનીનગર નજીક ચેમ્બરમાંથી ગટરનાં ઢાંકણાં મળ્યાં છે. છતાં પાણીનો નિકાલ ન થતાં વૈકુંઠ અને જલારામનગર વસાહત વિસ્તારમાં ડ્રેનેજનાં પાણી ઊભરાય છે. ત્યારે પાણીના નિકાલના અભાવે ભૂવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.