
- પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો
- ‘અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ’ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન
- બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો રહ્યા હાજર
રાજકોટ :રાજકોટ શહેરમાં અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સનાં ત્રણ નવાં પુસ્તકો “અદેહી વીજ”, “મારું બકેટ લિસ્ટ” અને “સામ્યવાદનું સત્ય” નું વિમોચન કરવામાં આવ્યું હતું.
શહેરના હેમુ ગઢવી મીની ઓડિયોરિયમ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથિ તરીકે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહા અને બાન લેબ્સના મોલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો પણ હાજર રહ્યા હતા.
“અદેહી વીજ” પુસ્તક સંજુ વાળા દ્વારા લખવામાં આવ્યું છે જયારે “મારું બકેટ લિસ્ટ”મિલિન્દ ગઢવી અને “સામ્યવાદનું સત્ય” પ્રશાંત વાળા દ્વારા લખવામાં આવ્યું છે.તો વિખ્યાત વક્તાઓ જય વસાવડા અને મહેન્દ્ર જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.
લેખક પ્રશાંત વાળાએ પોતાના પુસ્તક ‘સામ્યવાદનું સત્ય’ની વાત શરૂ કરતાં પહેલા કહ્યું હતું કે, આજના દિવસે મને બેવડો આનંદ લાવ્યો છે.કારણ કે એક તો મારા દ્વારા અનુવાદિત પહેલુ પુસ્તક પબ્લીશ થયું છે અને બીજો આનંદ એ છે કે એ અકિલા પબ્લીકેશન દ્વારા પ્રસિધ્ધ થયું છે. કારણ કે મેં જ્યાથી લખવાની શરૂઆત કરી,મને લખવા માટેની જેણે પ્રેરણા મળી એ અકિલા દ્વારા મારુ પ્રથમ પુસ્તક પ્રસિધ્ધ એ આનંદ જ અલગ હોય.શરૂઆતમાં હું ઇકોનોમીના લેખો લખતો અને નિમીષભાઇને બતાવતો ત્યારે તેમણે આ લેખો અકિલામાં છાપવાની શરૂઆત કરી હતી. અકિલા પરિવારના મોભી વડિલ માર્ગદર્શક પુ. કિરીટકાકાએ પણ મને ખુબ પ્રેરણા આપી.મારી અંદરના લેખક-સર્જકને બહાર કાઢવાનું કામ અકિલાએ કર્યુ છે આ માટે હું તેનો ઋણી છું.
ભારત દેશના કુલ ૮ લોકનાયકો-મહાન નેતાઓની વાત આ પુસ્તકમાં છે. મહાત્મા ગાંધી, જવાહલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ, ડો. આંબેડકર સાહેબ, જયપ્રકાશ નારાયણ, ડો. રામમનોહર લોહીયા, માધવરાવ ગોલવાલકર (ગુરૂજી) અને પંડિત દિનદયાળ ઉપાધ્યાના સામ્યવાદ વિશે તેમના શું વિચારો હતાં તેની વાતો, લેખોનું સંકલન છે. ભારતની પૃષ્ઠભુમિ પર સામ્યવાદનું મહત્વ કેટલું એ સહિતની વાત છે. આ પુસ્તકમાં એવા એવા તથ્યો છે જેનો ઇતિહાસના બીજા કોઇ પુસ્તકમાં તેનો ઉલ્લેખ નથી!
ભાગ્યેશ જહાએ પોતાના વક્તવ્યની શરૂઆત સંસ્કૃત ભાષામાં કરી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અભિવાદન કર્યુ હતું.રાજકોટ નગરની શોભા માત્ર ગાઠીયા જ નથી, સાહિત્ય પ્રત્યેનો પ્રેમ પણ છે. આજનો દિવસ વિશિષ્ટ છે,બધા લોકો ગાંધીનગર જતાં હતાં અને હું ગાંધીનગરથી રાજકોટ આવતો હતો ત્યારે એક મિત્રએ પુછ્યું કે ક્યાં જાઓ છો? જોવાનું તો અહિ છે. ત્યારે તે મેં કહેલું કે જોવા લાયક કરતાં જ્યાં વાંચવા લાયક, બોલવા લાયક કે સાંભળવા લાયક છે ત્યાં જઉ છું.
આજે જે ત્રણ પુસ્તકો રાજકોટવાસીઓને આપ્યા છે એ બ્રહ્મા, વિષ્ણું અને મહેશના અવતરણ સમાન છે.આ ત્રણેય પુસ્તકો એક બીજા સાથે જોડાયેલા છે. આ પુસ્તકો વાંચશો તો તમને દિલથી એમ થશે કે હવે જાગવાની ક્ષણ આવી ગઇ છે’…આ વાત ‘અક્ષરનો ઉત્સવ’ સમારોહમાં સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, કવિ, લેખક ભાગ્યેશ જહાએ કહી હતી.