
અમદાવાદઃ શહેરમાં સગીર વયના યુવાનો પાસે લાયસન્સ ન હોવા છતાંયે તેમના માત-પિતા પોતાના દીકરા-દીકરીને વાહનો ચલાવવા માટે આપી દેતા હોય છે. પરંતુ જ્યારે અકસ્માત સર્જાય ત્યારે સગીર યુવક-યુવતીઓના માત-પિતા જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વાહનચાલકો અકસ્માત કરે તો તેના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવે છે. તાજેતરમાં શહેરના વેજલપુર વિસ્તારમાં કૃષ્ણનગરી રો-હાઉસ પાસે સગીર બાઈક ચાલકે પાર્ક કરેલી કારને ટક્કર મારી નુકશાન કરી સગીર ફરાર થઈ ગયો હતો. કારના માલિકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી ત્યારે બાઈક ચાલક સગીર હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી સગીરને બાઈક આપનારા તેના પિતા સામે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી કરી છે.
ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વેજલપુરમાં રહેતા એક રહિશએ કૃષ્ણનગરી રો-હાઉસ પાસે તેમની કાર પાર્ક કરી હતી. તે સમયે એક બાઈક ચાલકે પૂર ઝડપે આવીને પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. જેના કારણે કારના દરવાજા તથા કાચ તૂટી ગયા હોવાથી નુકસાન થયું હતું. બીજી બાજુ બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે કારચાલક નિતાબહેનએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બાઈકના નંબર પરથી તપાસ કરતા બાઈક રાજેશકુમાર સોલંકી (રહે. શ્રીનંદનગર વિ-1, વેજલપુર)નું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેમના ઘરે જઈને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, તેમનો 16 વર્ષનો પુત્ર ગત 30 તારીખે ઘરમાં કોઈને કીધા વગર બાઈક લઈને નીકળી ગયો હતો અને અકસ્માત કર્યો હતો. જેથી પુત્ર સગીર હોવા છતાં પણ તેના પિતાએ તેને બાઈક આપ્યું હોવાથી એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરના પિતા રાજેશકુમાર સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, કેટલીક વાર તો સ્કૂલ જતા બાળકોને પણ બાઈક આપી દેવામાં આવે છે જેથી આ પ્રકારનો મામલો ખૂબ જ ગંભીર છે. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે