
વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારની રોડ-રસ્તાઓ પર મગરો લટાર મારતા જોવા મળી રહ્યા છે. જેમાં દસ ફૂટનો મહાકાય મગર આ વિસ્તારની ગલીઓમાં બિન્દાસ્ત લટાર મારતો જોવા મળી રહ્યો છે. મહાકાય મગર ગમે ત્યારે લોકોના ઘર આંગણે આવી પહોંચે છે. આ કારણે ફળિયાના દરેક લોકોને પોતાના ઘરના દરવાજા પાસે આડસ મુકવાની ફરજ પડી છે. છેલ્લા ચાર દિવસથી બાળકો કે વૃદ્ધો ઘરની બહાર નીકળતા ડરે છે. જોકે, અહી એક નહિ બલ્કે, પાંચથી સાત મગર હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. વહેલી તકે મગરનું રેસ્ક્યુ કરવા સ્થાનિકોની માંગ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા એક ફળિયામાં લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ થરથર ધ્રૂજે છે. શહરેના ભાયલીમાં વસવાટ કરતા લોકોને કોઈ ચોર લુંટારુંનો ડર નથી, છતાં અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાત્રે તો ઠીક દિવસે પણ અહીના રોડ રસ્તા હોય કે પછી ગલીઓ હંમેશા સુમસાન જોવા મળે છે. જાણે કરફ્યુ લાગી ગયું હોય તેમ લોકો પોતાના ઘરની બહાર નીકળતા નથી અને બસ ઘરના દરવાજામાંથી બહાર જોયા કરે છે.મગરોની નગરી કહેવતા વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં તો ખુદ મગરે નાગરિકોના વસવાટ વચ્ચે પોતાનું ઘર બનાવી દીધું છે. આ કોઈ નાની વાત નથી. કારણ કે દસ ફૂટનો મહાકાય મગર મન ફાવે ત્યારે વિસ્તારની ગલીઓમાં લટાર મારતો નજરે ચડે છે. જેના કારણે સ્થાનિક લોકોનું રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહી દસ ફૂટનો એક નહિ બલ્કે પાંચથી સાત જેટલા મગરો વસવાટ કરતા હોવાનું જણાવ્યુ હતું. ઘણી વાર તો મહાકાય મગર લટાર મારતાં મારતાં લોકોના ઘર સુધી આવી પોહચે છે. જેના કારણે અહીંના વૃદ્ધો તેમજ બાળકોએ છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દીધું છે. વહેલી તકે આ મગરોનું રેસ્ક્યું કરી અહીથી દૂર કરવામાં આવે તેવું સ્થાનિકોમાં માંગ ઉઠી છે.