1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરના કોબા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા પિતા-પૂત્રીના મોત
ગાંધીનગરના કોબા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા પિતા-પૂત્રીના મોત

ગાંધીનગરના કોબા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા પિતા-પૂત્રીના મોત

0
Social Share

ગાંધીનગરઃ શહેરના કોબા  સર્કલ કમલમ કાર્યાલય સામેના રોડ પર સોમવારે સવારના સમયે કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બંને સંતાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં 17 વર્ષીય દીકરીનું પણ મોત નિપજ્યું હતુ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનોનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો તેમજ કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકો લોકોએ અમદાવાદ-કોબા હાઇવે રોડ પર ચક્કાજામ કરી દેતાં ઈન્ફોસિટી અને અડાલજ પોલીસનો કાફલો દોડી ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગાંધીનગર કોબા સર્કલ નજીક કમલમ કાર્યાલય સામેના રોડ પર સોમવારે સવારના સમયે પૂરઝડપે આવેલી કારે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરી રોડ પર પટકાયાં હતાં, જેમાં પિતાનું ઘટનાસ્થળે જ અકાળે મોત નિપજ્યું હતુ. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ અમદાવાદ-કોબા હાઇવે ચક્કાજામ કરી દેતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ નબીરાઓ કારમાં બેઠા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસકાફલો પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગે ગાંધીનગર મ્યુનિ. ભાજપના પદાધિકારી તેજલબેનના પતિ અને કોબા ગામના પૂર્વ સરપંચ યોગેશભાઈ નાયીએ જણાવ્યું હતું કે તેમના સાળા ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. રાબેતા મુજબ આજે સવારે ભાસ્કરભાઈ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી ઝરણા (ઉં. 17)અને દીકરા જીઆન (ઉં. 8)ને સ્કૂલે મૂકવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા. આ દરમિયાન કોબા કમલમ કાર્યાલય પાસેનાં રોડ પરથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એને કારણે ભાસ્કરભાઈ અને બંને સંતાન ઊછળીને રોડ પર પટકાયાં હતાં, જેમાં ભાસ્કરભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બંને સંતાનોને ગાંધીનગરની તથાસ્તુ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ઝરણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

આ બનાવને પગલે રોષે ભરાયેલા ટોળાએ આક્રોશ વ્યક્ત કરેલો કે અત્રે કોબા કમલમ કાર્યાલય હોવાથી વીવીઆઈપી મૂવમેન્ટ રહેતી હોય છે, જેના કારણે અહીં સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવામાં આવ્યાં નથી. અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતાં વીવીઆઈપી મૂવમેન્ટને લીધે રોડ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની પણ અટકાયત કરી લીધી હતી.

આ અંગે ઈન્ફોસિટી પીઆઈ એલ ડી ઓડેદરાએ જણાવ્યું હતું કે કારમાં સવાર ત્રણ છોકરાને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં ભાસ્કરભાઇનું મોત થયું છે, જ્યારે તેમની દીકરી ઝરણાની હાલત નાજુક હતી તેમજ દીકરાને માઈનોર ઈન્જરી થઈ હતી. જોકે, ઘાયલ દીકરીનું પણ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પિતા પુત્રીનો ભોગ લેનાર કલોલના પંચવટી અમૃતકુંજ સોસાયટીમાં રહેતા શુભ શૈલેષભાઈ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. શુભ અને તેના બે મિત્રો સવારે કાર લઈને ગાંધીનગરનાં સેકટર – 6 ખાતે આઈઈએલટીએસના ક્લાસિસમાં આવ્યા હતા. આરોપી શુભને કેનેડા જવાનું હોવાથી એક્ઝામની તૈયારીઓ કરે છે. આજે સવારે રાયસણ ભૈરવનાથ પાર્ટી પ્લોટની પાછળ આવેલ શ્રી રંગ એન્ટાયર સોસાયટીમાં રહેતા મામાને મળવા માટે શુભ તેના મિત્રોને લઈને આવ્યો હતો. જ્યાંથી ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે રાજધાની પેટ્રોલ પંપ ખાતે નીકળ્યા હતા. આ દરમિયાન એક્ટિવાને ટક્કર મારી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code