
અમરેલીઃ જિલ્લાના સુરગપરા ગામની સીમમાં આવેલા બોરમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. કલેકટર સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. બાળકીને બચાવવા માટે રોબોટ અને NDRFની ટીમ સુરગપરા ગામે પહોંચી ગઈ છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લીયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી બપોરે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.
બાળકીના પિતા કરણભાઇએ જણાવ્યું હતું કે, અમે કપાસ રોપતા હતા, ત્યારે સવારે દસેક વાગ્યે બાળકી રોતી હતી તો હું સુવડાવવા આવ્યો હતો. બાદમાં એ અગિયાર વાગતા ઉઠી ગઇ હતી અને ચાર-પાંચ છોકરીયો રમતી હતી. રમતાં રમતાં આ બોરમાં પડી ગઇ ત્યારે બીજી છોકરીઓ બુમો મારી તો અમે દોડીને આવ્યા. અત્યારે કાઢવાની કામગીરી ચાલુ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાળકી 45 થી 50 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ હોવાનો અંદાજ છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન પુરવઠો શરૂ કરાયો હતો. હાલ, ફાયર વિભાગે કેમેરા નીચે ઉતારી બચાવ કામગીરી શરૂ કરી છે. બાળકીની માતા પિતાએ જણાવ્યું હતું કે, બોરમાં પડ્યા પછી પણ તેમની દીકરી અડધી કલાક સુધી રડતી હતી. દરમિયાન ઘટના સ્થળે હાજર ડેપ્યુટી કલેકટર એન. આઈ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં ફાયર, પોલીસ, આરોગ્ય ટીમ અને મહેસૂલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ બાળકીનો રડવાનો આવાજ આવી રહ્યો છે. આથી, તેમને ઓક્સિજન પૂરુ પાડવામાં આવી રહ્યું છે. બાળકીને બહાર કાઢવા માટે ઓબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, આ સિસ્ટમ 100 ફૂટ ઊડે સુધી કામ કરી શકે છે, જોકે આ બાળકી હાલ 50 ફૂટ ઊંડે હોવાથી હાલ અમારા આ પહેલા પ્રયત્નો રહેશે. હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. બાળકી સ્વસ્થ હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.