
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા-ધારણા તદ્દન ખોટી : રાજ્યપાલ
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા અને ધારણા તદ્દન ખોટી છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો ઉત્પાદન રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં વધુ અને વધુ ગુણવત્તાસભર મળે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે તાલીમ અનિવાર્ય છે. સમગ્ર ગુજરાતમાં પાંચ-પાંચ ગામોના ક્લસ્ટર્સ બનાવીને રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ અપાશે. પ્રત્યેક ગામમાં એક પ્રાકૃતિક કૃષિ સખી બહેન ગામની મહિલા ખેડૂતોને માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં ઉચ્ચકક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે એ દિશામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘સ્ટેટ પ્રોજેક્ટ‘ તરીકે પ્રાધાન્ય આપીને પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા ગંભીરતાથી કામગીરી કરી રહી છે ત્યારે વહીવટી તંત્રના પ્રમાણિક અને પરિણામલક્ષી પ્રયાસોની તથા ખેડૂતોના પ્રોત્સાહક પ્રતિભાવની આવશ્યકતા છે.
ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન અને અન્ય ખેડૂતોના અનુભવને અનુસરીને પછી જ નિર્ણય કરતા હોય છે, એટલે ગુજરાતમાં તમામ ગામોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિના પંચસ્તરીય મોડલ ફાર્મ તૈયાર કરાશે. આ માટે રાજ્ય સરકાર આર્થિક સહયોગ પણ આપશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપતા ફાર્મર માસ્ટર ટ્રેનરને પણ રાજ્ય સરકાર આર્થિક પુરસ્કાર આપશે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ પણ પોતપોતાના વિસ્તારમાં જાગૃત ખેડૂતોના ખેતરમાં અમુક વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું મોડેલ તૈયાર કરીને અન્ય કિસાનોને માર્ગદર્શન આપશે.
ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાઓ દેશી ગાયના ગોબર-ગૌમૂત્રમાંથી જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરીને જરૂરિયાતમંદ ખેડૂતોને વાજબી દરે આપશે. આ માટે સુચારુ યોજના તૈયાર કરાઈ રહી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જીવામૃત અને ઘનજીવામૃતની ગુણવત્તા અને ઉત્પાદનક્ષમતા જળવાય તે માટે યોગ્ય માર્ગદર્શન અધિકારીને જવાબદારી સોંપમાં સૂચના આપી હતી.