
હુથી આતંકવાદીઓનો ઉપદ્રવ વધ્યો, 24 કલાકમાં 3 જહાજ ઉપર કર્યો હુમલો
નવી દિલ્હીઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી યમનના હુથી બળવાખોરો જહાજોને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિતના ઘણા દેશોએ ખુલ્લી ચેતવણીઓ આપી છે, પરંતુ હુથિઓ હુમલા અટકાવતા નથી. ફરી એકવાર, આતંકવાદીઓએ બે ક્રુઝ મિસાઇલો વડે એડનની ખાડીમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જોકે અમેરિકન સેનાએ તેને સુરક્ષિત બચાવી લીધો હતો. હુતીના હુમલાખોરોએ 24 કલાક દરમિયાન 3 જહાજનો નિશાન બનાવીને હુમલા કર્યાં હોવાનું જાણવા મળે છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ જણાવ્યું હતું કે, યુક્રેનિયન માલિકીના જહાજ M/V વર્બેના, જે પલાઉઆન ધ્વજ ઉડાડતું હતું અને પોલિશ દ્વારા સંચાલિત હતું. હુમલાને કારણે તેને નુકસાન થયું હતું અને બાદમાં આગ લાગી હતી. ક્રૂ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા દરમિયાન એક ખલાસી ગંભીર રીતે ઘાયલ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, USS ફિલિપાઈન સી (CG 58) ના વિમાને ઈજાગ્રસ્ત નાવિકને સારવાર માટે નજીકના સહાયક જહાજમાં એરલિફ્ટ કર્યો હતો.
હુથી આતંકીઓએ દાવો કર્યો હતો કે તેઓએ છેલ્લા 24 કલાકમાં વર્બેના સહિત ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓ ગાઝા પટ્ટીમાં થઈ રહેલા હુમલાનો જવાબ છે. દરમિયાન યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એ યમનના બળવાખોરોના કબજા હેઠળના હોડેડાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 80 નોટિકલ માઇલના અંતરે લાલ સમુદ્રમાં એક વેપારી જહાજ પાસે વિસ્ફોટની જાણ કરી, જેમાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી.