
અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો હંકારાતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. શહેરના હેલ્મેટ બ્રિજ પર આજે શુક્રવારે સવારે એક્ટિવા પર જતી એક યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બ્રિજ પર એક્ટિવા પર સવાર થૂને યુવતી જઈ રહી હતી ત્યારે વાહનચાલક ટક્કર મારીને વાહન સાથે નાસી ગયો હતો. યુવતીને મોઢાના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેનું મોત નિપજ્યુ હતુ. અન્ય વાહનચાલકોએ આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્રિજ વચ્ચે અકસ્માત થયો હોવાના પગલે તાત્કાલિક ટ્રાફિક જામ ન થાય તેના માટે ટ્રાફિક બ્રિજ નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, આજે શુક્રવારે સવારે શહેરના હેલ્મેટ બ્રિજ પરથી યુવતી એક્ટિવા પર પસાર થતી રહી હતી ત્યારે પાછળથી પૂરફાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા યુવતી રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માતનો ભોગ બનેલી યુવતીનું નામ નેલસી મછાર હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માતનો ભોગ બનેલી યુવતી નેલસી 24 વર્ષની હતી અને તે દરરોજ આ બ્રિજ પરથી બોપલ નોકરી માટે જતી હતી. આજે સવારે તે બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે લક્ઝરી બસે તેને અડફેટે લેતાં તે નીચે પટકાઈ હતી અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. આ સમગ્ર મામલે નેલસીના ભાઈએ પોલીસને ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ, યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ટ્રાફિક જામ થયો હોવાના કારણે પોલીસને પહોંચતા વાર લાગી હતી. બ્રિજની વચ્ચે અકસ્માત થયો હતો અને યુવતીનો મૃતદેહ પણ રસ્તાની વચ્ચે પડ્યો હોવાના કારણે પોલીસે તાત્કાલિક ટ્રાફિકને બંધ કરાવી અને ટ્રાફિક બ્રિજ નીચેથી ડાયવર્ટ કર્યો હતો, જેના કારણે નીચેના તરફ ટ્રાફિક વધુ થયો હતો. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી છે.