1. Home
  2. revoinews
  3. પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો
પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

0
Social Share
  • 5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે

ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત 11 માર્ચ, 2026ના રોજ સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામ ખાતે આ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે રાજ્યમાં વિજ્ઞાન વિષયના શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક વલણોને પ્રોત્સાહન આપવા પર, તેમજ બાળકોમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતાઓ અંગેની સમજણ વિકસિત થાય તેના પર હંમેશાં ભાર મૂક્યો છે.

આ પણ વાંચોઃ ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત

સાયન્સ પાર્ક મુલાકાતીઓ માટે વિજ્ઞાન પર્યટનના કેન્દ્ર તરીકે પણ કામ કરી રહ્યો છે. પ્રવાસીઓમાં અને ખાસ કરીને વિજ્ઞાનમાં રસ ધરાવતા મુલાકાતીઓમાં આ પાર્ક અત્યારે અનોખું આકર્ષણ ઊભું કરી રહ્યો છે. ઉદ્ઘાટન થયા બાદ 2 મહિનાના સમયગાળમાં લગભગ 3500થી વધુ મુલાકાતીઓએ ટ્રોપિક ઑફ સેન્ટર સાયન્સ પાર્કની મુલાકાત લીધી છે, અને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે.

The Tropic of Cancer Park at Salal in Prantij taluka has become a center of attraction for tourists
The Tropic of Cancer Park at Salal in Prantij taluka has become a center of attraction for tourists

₹8 કરોડના ખર્ચે 5,930 ચોરસ મીટરમાં આ સાયન્સ પાર્ક વિકસિત

ઉલ્લેખનીય છે કે, GUJCOST દ્વારા ₹8 કરોડના અંદાજિત ખર્ચે લગભગ 5930 ચોરસ મીટર વિસ્તારમાં આ પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પાર્કના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવવા માટે આવી પહેલો મહત્ત્વપૂર્ણ છે.

આ પાર્ક કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વને સમજવા માટે એક ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક અને સંશોધન કેન્દ્ર તરીકે સેવા આપે છે, જેમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધો અને ઋતુગત ફેરફારોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ઉષ્ણકટિબંધીય પ્રદેશો એ પૃથ્વીના એવા ભાગો છે જે પૃથ્વીના કેન્દ્રની નજીક છે અને તેમની પાસે અતિ સમૃદ્ધ જૈવવિવિધતાઓ છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશ આશરે 40% ભૂમિ વિસ્તારને આવરી લે છે જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવે છે.

ટ્રોપિક ઑફ સેન્ટર (TOC) એટલે કે કર્કવૃત્ત, આપણી પૃથ્વીને વિભાજીત કરતા પાંચ મુખ્ય અક્ષાંશ વર્તુળોમાંનું એક છે, જેને ઉત્તરીય ઉષ્ણકટિબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૃથ્વી પરનું સૌથી ઉત્તરીય અક્ષાંશ વર્તુળ છે, જ્યાં સૂર્ય તેની પરાકાષ્ઠાએ સીધો માથાની ઉપર દેખાઇ શકે છે.

કર્કવૃત્ત ગુજરાતના સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે

કર્કવૃત્ત એ વિષુવવૃત્તથી 23.50 ડિગ્રી ઉત્તરના ખૂણા પરની એક કાલ્પનિક રેખા છે, જે ભારત સહિત 16 દેશો, 3 ખંડો અને વિશ્વભરના 6 જળસંગ્રહોમાંથી પસાર થાય છે. ભારતમાં, કર્કવૃત્ત આઠ રાજ્યોમાંથી પસાર થાય છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં, તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમ કે, (1) અરવલ્લી, (2) સાબરકાંઠા, (3) ગાંધીનગર, (4) મહેસાણા, (5) સુરેન્દ્રનગર, (6) પાટણ અને (7) કચ્છ. કર્કવૃત્ત ગુજરાતની ઉત્તરીય સરહદમાંથી પસાર થાય છે, જેના કારણે રાજ્યમાં ખૂબ જ ગરમ અથવા અથવા તો ખૂબ જ ઠંડું વાતાવરણ રહે છે.

કર્કવૃત્ત (TOC) અને તેના મહત્ત્વ વિશે જાગૃતિ અને સમજણ કેળવવા તેમજ આ સાઇટને એક સંશોધન કેન્દ્ર (એક્સપ્લોરેશન પોઇન્ટ) તરીકે વિકસાવવા માટે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે આ ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો છે.

ખુલ્લા આકાશ નીચે વિજ્ઞાનની જીવંત પ્રયોગશાળા

ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિજ્ઞાનને માત્ર વાંચવામાં જ નથી આવતું, પરંતુ તેને અનુભવી શકાય છે. પાર્કમાં વિવિધ પ્રદર્શનો અને સાધનો દ્વારા મુલાકાતીઓને સમજાવવામાં આવે છે કે, પૃથ્વીનો ઝુકાવ ઋતુઓને કેવી રીતે અસર કરે છે, વર્ષ દરમિયાન સૂર્યની ગતિ અને છાયામાં કેવી રીતે ફેરફાર થાય છે, સન ડાયલ દ્વારા સમય અને સૂર્યની સ્થિતિને કેવી રીતે માપી શકાય છે, વગેરે. આ બાબતો વિદ્યાર્થીઓ માટે આ સ્થળને એક ખુલ્લી હવામાં આવેલી વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવી દે છે.

વિજ્ઞાન પ્રવાસન, જ્ઞાનનું આકર્ષણ

આ પાર્કને એક અનોખા અને સેલ્ફ-એક્સપ્લેનેટરી પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં બાહ્ય પ્રદર્શનો, ખગોળીય માળખાં (એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ) અને મુલાકાતીઓ માટેની સુવિધા છે. આ પાર્ક વિજ્ઞાન પ્રેમીઓ માટે એક આકર્ષક સ્થળ બની રહ્યો છે. મુલાકાતીઓ માટે અહીં વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ છે જેમકે, વૈશ્વિક મહત્ત્વ ધરાવતી અક્ષાંશ રેખા પર ઊભા રહેવાનો અનુભવ, રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શન, કુદરતી દ્રશ્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે. આ સાથે, આ પાર્ક સ્થાનિક સમુદાયો માટે રોજગાર અને વિકાસની નવી તકો પણ ઊભી કરે છે. આ પાર્ક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક જીવંત શિક્ષણ કેન્દ્ર જેવો છે.

આમ, ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક GUJCOST દ્વારા એક અનોખી વૈજ્ઞાનિક અને શૈક્ષણિક પહેલ છે, જે મુલાકાતીઓ માટે એક અમૂર્ત ભૌગોલિક ખ્યાલને મૂર્ત, આકર્ષક અને માહિતીપ્રદ અનુભવમાં પરિવર્તિત કરે છે. ગુજરાતમાં આ પાર્ક એક સીમાચિહ્નરૂપ છે, જે વૈજ્ઞાનિક જિજ્ઞાસાને જાગૃત કરશે. તે વૈજ્ઞાનિક જાગૃતિ, અનુભવલક્ષી શિક્ષણ અને નવીનતા-સંચાલિત જાહેર જોડાણને પ્રોત્સાહન આપવાની ગુજરાતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code