HomeગુજરાતીNEET UG પેપર લીક કેસમાં વધુ એક મુખ્ય સૂત્રધાર મહિલા પ્રોફેસરની ધરપકડ

NEET UG પેપર લીક કેસમાં વધુ એક મુખ્ય સૂત્રધાર મહિલા પ્રોફેસરની ધરપકડ

નવી દિલ્હી, 16 મે 2026: મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2026 ના પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને વધુ એક મોટી સફળતા મળી છે. સીબીઆઈએ આ કરોડો રૂપિયાના કૌભાંડમાં સામેલ વધુ એક મુખ્ય માસ્ટરમાઇન્ડની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલી આરોપી મહિલા મહારાષ્ટ્રના પુણેની વરિષ્ઠ બૉટની (વનસ્પતિશાસ્ત્ર) શિક્ષિકા મનીષા ગુરૂનાથ મંધારે હોવાનું સામે આવ્યું છે. સીબીઆઈની ટીમે લાંબી અને સઘન પૂછપરછ બાદ તેની સત્તાવાર અટકાયત કરી છે.

ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી મનીષા મંધારે નીટ યુજી 2026 ની પરીક્ષા પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા પેપર સેટિંગ અને સમીક્ષા માટે જે નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવે છે, તેમાં મનીષાની ‘વિશેષજ્ઞ’ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ઉચ્ચ હોદ્દાને કારણે તેણીની પાસે નીટ પરીક્ષાના બૉટની અને ઝૂઓલોજી એટલે કે સમગ્ર બાયોલોજી વિભાગના પ્રશ્નપત્રોની સંપૂર્ણ અને સીધી પહોંચ હતી.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષા મંધારેએ પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને પરીક્ષા પૂર્વે જ પ્રશ્નપત્રોના ગુપ્ત ડેટા અને પ્રશ્નો લીક કર્યા હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. આ પેપર લીક નેટવર્કના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે અને આના બદલામાં કેટલા રૂપિયાની લેણદેણ થઈ છે, તે દિશામાં હવે સીબીઆઈ કસ્ટડી મેળવીને વધુ તપાસ હાથ ધરશે. નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અનેક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ એનટીએની અંદર બેઠેલા કોઈ સત્તાવાર નિષ્ણાતની ધરપકડ થવાનો આ બહુ મોટો કિસ્સો છે. આ ધરપકડ બાદ આગામી દિવસોમાં પરીક્ષા પ્રક્રિયાની સુરક્ષા અને વિશ્વસનીયતા પર ઉઠેલા સવાલો વચ્ચે સીબીઆઈ કોર્ટમાં આકરી રજૂઆત કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ અમિત શાહનો અમદાવાદ પોલીસ અને NHAI ને નિર્દેશ, એસ.જી. હાઈવેને ટ્રાફિક મુક્ત કરો

સંબંધિત લેખો

Most Popular