મુંબઈ, 18 નવેમ્બર 2026: ભારત બે દાયકાના લાંબા અંતરાલ બાદ વૈશ્વિક નાણાકીય જગતના સૌથી મોટા આયોજનો પૈકીના એક એવા ‘વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જ્સ’ (WFE) ની 65મી જનરલ એસેમ્બલી અને એન્યુઅલ મીટિંગની યજમાની કરી રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) દ્વારા 17 થી 19 નવેમ્બર, 2026 દરમિયાન મુંબઈ ખાતે આયોજિત આ સંમેલન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ લેખિત સંદેશ પાઠવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને તેની સાથે જ દેશનું મૂડીબજાર (કેપિટલ માર્કેટ) પણ અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહ્યું છે.
આયોજક NSE અને WFE ને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે, મૂડીબજારના વિસ્તારથી કંપનીઓને મૂડી એકત્ર કરવા અને પોતાના કારોબારને વધારવાની નવી તકો મળી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા થઈ રહેલા રેકોર્ડ રોકાણ પર ખુશી વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો બજાર સાથે જોડાઈ રહ્યા છે, જેના કારણે તેઓ સીધી રીતે દેશની વિકાસ યાત્રાના ભાગીદાર બની રહ્યા છે.
-
JAM ટ્રિનિટી અને UPI એ બદલી દેશની નાણાકીય તસવીર
છેલ્લા એક દાયકામાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, બેંકિંગ, વીમા અને ડિજિટલ સેવાઓના વ્યાપથી લાખો લોકો ઔપચારિક નાણાકીય પ્રણાલી સાથે જોડાયા છે. તેમણે વિશેષ ભાર મૂક્યો હતો કે ‘JAM’ (જન ધન, આધાર, મોબાઈલ) ટ્રિનિટી અને ‘UPI’ જેવા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે નાણાકીય સેવાઓની પહોંચને વ્યાપક બનાવી છે. ટેકનોલોજી આધારિત સુધારા અને રોકાણ પ્લેટફોર્મ સુધીની સરળ પહોંચને કારણે મૂડીબજારમાં રિટેલ રોકાણકારોની હિસ્સેદારી વધી છે. ભારતનો આ અનુભવ સાબિત કરે છે કે નાણાકીય સમાવેશન (ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન) અને નવીનતા (ઇનોવેશન) એકબીજાને મજબૂતી આપી શકે છે.
નાણાકીય જગતમાં આવી રહેલા ટેકનિકલ બદલાવો અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજી બજારોની કામ કરવાની રીતને ઝડપથી બદલી રહી છે. જોકે, તેની સાથે જ સાયબર સુરક્ષા, બજારની નિષ્પક્ષતા અને રોકાણકારોની સુરક્ષા જેવા નવા પડકારો પણ સામે આવ્યા છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ટેકનોલોજી એ તો નક્કી કરી શકે છે કે બજાર કેટલી ઝડપથી આગળ વધશે, પરંતુ આ સમગ્ર નાણાકીય તંત્રના વિકાસમાં ‘ભરોસો’ જ હંમેશા સૌથી મહત્વપૂર્ણ આધાર બની રહેશે.








