Homeગુજરાતીગુજરાતરક્તદાન માત્ર તબીબી પ્રક્રિયા નહીં, બીજા મનુષ્યને બચાવવા અપાતી અમૂલ્ય ભેટ છેઃ...

રક્તદાન માત્ર તબીબી પ્રક્રિયા નહીં, બીજા મનુષ્યને બચાવવા અપાતી અમૂલ્ય ભેટ છેઃ CM

ગાંધીનગર, 15 નવેમ્બર, 2026 : National Conference ‘Hematocon-2026’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISHBT)ની ૬૭મી રાષ્ટ્રીય પરિષદ ‘હેમેટોકોન-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, આ પરિષદ માત્ર એક તબીબી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી, પરંતુ માનવજીવનની રક્ષા માટે જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન અને સંવેદનશીલતાના સમન્વયનું શ્રેષ્ઠ મંચ છે.

મુખ્યમંત્રીએ દેશ-વિદેશમાંથી ઉપસ્થિત થયેલા તબીબો, સંશોધકો અને હેમેટોલોજી ક્ષેત્રના નિષ્ણાતોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરીને સૌને દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શરીરમાં વહેતું રક્ત માત્ર એક પ્રવાહી નથી, પરંતુ તે જીવનની ગતિ, ઊર્જા અને માનવ અસ્તિત્વને ધબકતું રાખતું અમૂલ્ય તત્ત્વ છે. તેથી, રક્તદાન એ માત્ર તબીબી પ્રક્રિયા નથી, પરંતુ એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યનો જીવ બચાવવા માટે અપાતી અનોખી ભેટ અને શ્રેષ્ઠ માનવ સેવા છે. રક્તદાનને માનવતાની સર્વોચ્ચ સેવા ગણાવતાં તેમણે સૌને આ સેવાકાર્યમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

હેમેટોલોજી ક્ષેત્રના તબીબો અને નિષ્ણાતોની ભૂમિકાને સમાજ માટે દેવદૂત સમાન ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રક્ત સંબંધી રોગોનું વહેલું નિદાન, જિનેટિક કાઉન્સેલિંગ અને સંશોધન દ્વારા સમાજને આ બીમારીઓ સામે સક્ષમ બનાવવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી આ ક્ષેત્રના નિષ્ણાતોની છે.

થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, હિમોફિલિયા અને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે અસરકારક રીતે લડવા માટે તબીબી નિષ્ણાતો, સંશોધકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને બ્લડ બેંકો વચ્ચે મજબૂત સંકલન જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દૃઢતાપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ મળતા રૂ. પાંચ લાખના આરોગ્ય કવચમાં રાજ્ય સરકારે વધુ રૂ. પાંચ લાખનો ઉમેરો કરીને નાગરિકોને કુલ રૂ. દસ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સ્ટેમ સેલ થેરપી અને ઇમ્યુનોથેરાપી જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ રક્ત સંબંધી ગંભીર બીમારીઓ સામે આશાનું નવું કિરણ બની છે.

રક્તદાનને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા ઈ-રક્તકોષ (e-RaktKosh) ડિજિટલ પ્લેટફોર્મનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના ઉપયોગથી રક્તની ઉપલબ્ધતા અંગેની માહિતી એક જ સ્થળેથી મેળવી શકાય છે, જે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઉપયોગી બની રહી છે.

રાજ્ય સરકાર દ્વારા થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવી બીમારીઓના વહેલા નિદાન અને સ્ક્રીનિંગ માટે કરવામાં આવતી કામગીરીનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારી અને ખાનગી બ્લડ બેંકો વચ્ચે સંકલન તથા મેડિકલ કોલેજોમાં હેમેટોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

મુખ્યમંત્રીએ સૌને રક્તદાન દ્વારા માનવસેવાને પ્રભુસેવા માનીને આ સેવાકાર્યમાં જોડાવા તથા સ્વસ્થ, સક્ષમ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

હેમેટોકોન-૨૦૨૬ના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) વેલુ નાયરે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં ગુજરાતના વિકાસ તેમજ રાજ્ય સરકાર દ્વારા તબીબી ક્ષેત્રે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો અને યોજનાઓની સરાહના કરી હતી.

ISHBTના સેક્રેટરી ડૉ. તુફાન કાંતિ ડોલાઈએ સમગ્ર આયોજનની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ‘હેમેટોકોન-૨૦૨૬’નું આયોજન ગુજરાત માટે તબીબી શિક્ષણ, આરોગ્ય સંભાળ ક્ષેત્રે શ્રેષ્ઠતા, વૈજ્ઞાનિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. આ પરિષદથી આંતરરાષ્ટ્રીય તબીબી સંમેલનોના આયોજન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે તેમજ વૈશ્વિક સ્તરના તબીબી નિષ્ણાતોના જ્ઞાન અને અનુભવોનો લાભ તબીબી જગત અને દર્દીઓને મળશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img