જુનાગઢ, 15 નવેમ્બર, 2026 : Couple who fell off bike dies after being hit by dumper જિલ્લાના વંથલી-માણાવદર હાઈવે પર બાઈકને રિક્ષાએ ટક્કર મારતા બાઈકસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતું. ત્યારે જ પૂરફાટ ઝડપે આવી રહેલા ડમ્પરે દંપત્તિને કચડતા પતિ-પત્ની ગંભીર રીતે ઘવાતા બન્નેને 108 એમ્બ્યુલન્સમાં જુનાગઢ ખસેડ્યા હતા. પણ સારવાર મળે તે પહેલા જ બન્નેના મોત નિપજ્યા હતા. વિસાવદર હાઈવે પર અકસ્માતની આ ઘટના બાદ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જૂનાગઢ તાલુકાના પ્લાસવામાં રહેતા ચંદુભાઈ દુદાભાઈ ઘોણીયા (ઉ.વ.૬૩) અને તેના પત્ની મનિષાબેન ચંદુભાઈ ઘોણીયા (ઉ.વ.૬૦) વંથલી તાલુકાના સાંતલપુર ગામે ફુવાની ઉત્તરક્રિયામાં ગયા હતા. બપોરે આ દંપતિ બાઈક પર પ્લાસવા ગામ તરફ પરત ફરી રહ્યું હતુ ત્યારે સાંતલપુરથી વંથલી તરફ હાઈવે પર રિક્ષાએ બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈકસવાર ચંદુભાઈ તથા તેના પત્ની મનિષાબેન રોડ પર પટકાયા હતા. જેમાં બન્ને પતિ-પત્નીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. દંપત્તી રોડ પર પટકાયું ત્યારે જ પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરના તોતિંગ ટાયર નીચે દંપત્તી કચડાયુ હતુ. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ૧૦૮ને જાણ કરતા દંપતિને વંથલી બાદ જૂનાગઢ ખસેડાયા હતા પરંતુ બંનેનું સારવાર પૂર્વે જ મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








