1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GUJCOST દ્વારા ઉનાળાના વેકેશનમાં સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન
GUJCOST દ્વારા ઉનાળાના વેકેશનમાં સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન

GUJCOST દ્વારા ઉનાળાના વેકેશનમાં સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન

0
Social Share

ગાંધીનગર, 29 એપ્રિલ, 2026: GUJCOST organizes Summer Science Camp 2026 ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સ્થાપિત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) રાજ્યભરમાં વિજ્ઞાન વિષયનું શિક્ષણ, તેના પ્રત્યેની જાગૃતિ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે. રાજ્યની સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ-રૂચિ વધારવા અને તે અંગેની સમજણ વિકસિત કરવાના ઉદ્દેશથી  GUJCOST દ્વારા પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે રીજનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) એટલે કે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો આજે વિજ્ઞાન વિષયની જિજ્ઞાસાને સંતોષવા માટેના તેમજ વ્યવહારૂ શિક્ષણ અને સાયન્સ ટુરિઝમના વાયબ્રન્ટ કેન્દ્રો તરીકે ઉભર્યા છે.

ઉનાળાનું વેકેશન બાળકો માટે વધુ આકર્ષક બનાવવા અને તેમને ગમ્મત સાથે વિજ્ઞાનનું શિક્ષણ આપવા માટે હવે GUJCOST દ્વારા એક નવી પહેલ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા બાળકો માટે, તેમજ અન્ય બાળકો પણ તેમાં રસ લેતા થાય તેવા ઉદ્દેશથી GUJCOSTએ આગામી 1 મે થી 30 મે, 2026 દરમિયાન રાજ્યમાં સ્થિત ચારેય RSCs ખાતે વિવિધ બેચમાં 3 દિવસીય રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પનું આયોજન કર્યું છે. આ સમર કેમ્પ ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં દરેક બેચમાં વધુમાં વધુ 50 વિદ્યાર્થીઓનો સમાવેશ થઇ શકશે. આ કેમ્પ દરમિયાન વિજ્ઞાન આધારિત પાંચ આકર્ષક થીમને આવરી લેવામાં આવનાર છે.

સમર સાયન્સ કેમ્પ 2026માં પાંચ આકર્ષક થીમ આવરી લેવામાં આવશે*

ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવેલ સમર સાયન્સ કેમ્પમાં વિદ્યાર્થીઓને રસ પડે એવા પાંચ આકર્ષક થીમોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં 1) વૈજ્ઞાનિક કેવી રીતે બનવું? 2) સ્પેસ (અવકાશ) સમર કેમ્પ 3) મરીન બાયોલોજી/મશીન એન્જિનિયરિંગ 4) AI અને રોબોટિક્સ તેમજ 5) એક્સપ્લોરિંગ નેચર એટલે કે પ્રકૃતિના તત્વોનું અન્વેષણ, આ પાંચ થીમોનો સમાવેશ થાય છે.

સાયન્સ સમર કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યવહારુ પ્રયોગો, વિજ્ઞાન પ્રદર્શનો, મલ્ટીમીડિયા સત્રો, નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન (રાત્રિ આકાશ નિરીક્ષણ), ફિલ્ડ વિઝિટ, ક્વિઝ સ્પર્ધાઓ, વિજ્ઞાનને લગતી રમતો, વૉક-થ્રુ ઇન ગેલેરી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ બાળકોને ગમ્મત સાથે વિજ્ઞાનનો પરિચય કરાવશે.

*વિદ્યાર્થીઓને આપવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે માહિતી*

સમર સાયન્સ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયના નિષ્ણાંતો સાથે વાતચીત અને ચર્ચા કરવાનો પણ મોકો મળશે. વધુમાં, સમર કેમ્પ દરમિયાન બાળકોને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના જેવી રાજ્ય સરકારની યોજનાઓ અંગે માહિતી તેમજ ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

GUJCOST દ્વારા સમર સાયન્સ કેમ્પની આ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવાનો, STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) કારકિર્દીને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન વચ્ચે કાયમી જોડાણ બનાવવાનો છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને ‘વહેતા તે પહેલા’ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમના વિસ્તારની નજીકના રીજનલ સાયન્સ સેન્ટર પરથી વધુ વિગતો મેળવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code