જૂનાગઢ, 29 એપ્રિલ 2026: Leopard dies after being hit by unknown vehicle જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળના લોએજ ગામ પાસે આવેલા કોસ્ટલ હાઇવે પર રાત્રિના અંધકારમાં એક રસ્તા ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાઇવે પર દીપડાના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકોના ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા જેના કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક લોએજ પાસેના અકસ્માત સ્થળે દોડી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, માંગરોળના લોએજ ગામ પાસે આવેલા કોસ્ટલ હાઇવે પર ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત નિપજ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે પણ વન વિભાગે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડા અને સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવરજવરના વીડિયો સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થતા રહે છે જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં પહેલેથી જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસો પહેલા જ આ પંથકના એક નાળિયેરીના બગીચામાં દીપડો આરામ કરતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો જેણે વન વિભાગની ચિંતામાં વધારો કર્યો હતો. માંગરોળ પંથક નાળિયેરી અને આંબાના બગીચાઓથી ભરપૂર હોવાથી વન્ય પ્રાણીઓને અહીં રહેઠાણ અને ખોરાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહે છે પરંતુ હાઇવે પર વાહનોની વધતી ગતિ વન્ય જીવો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.

