1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સોની બજારમાં સોના-ચાંદીના વેપારમાં મોટો કડાકો
અમદાવાદ સોની બજારમાં સોના-ચાંદીના વેપારમાં મોટો કડાકો

અમદાવાદ સોની બજારમાં સોના-ચાંદીના વેપારમાં મોટો કડાકો

0
Social Share

અમદાવાદ, 16 મે 2026: ગુજરાતનું સૌથી મોટું બુલિયન માર્કેટ ગણાતું અમદાવાદનું સોની બજાર હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. બજારમાં ઊંચા ભાવોને કારણે પહેલેથી જ ગ્રાહકી પાંખી હતી, તેવામાં વડાપ્રધાન દ્વારા સોનામાં રોકાણ ઘટાડવા અંગે કરાયેલી અપીલ બાદ બજારમાં સોના-ચાંદીની ખરીદીમાં અચાનક 30 થી 35 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જો બજારની આ જ સ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો ઝવેરીઓ, સ્થાનિક ઘડામણ કારીગરો અને શો-રૂમના સ્ટાફ સહિત હજારો પરિવારોની આજીવિકા સામે મોટું સંકટ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી તરફ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનુ નહીં ખરીદવા સહિત ખાસ સાત અપીલ કરી હતી.

જૂનું સોનું આપીને નવું લેવાનો ટ્રેન્ડ વધ્યો

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનાના આસમાને પહોંચેલા ભાવો અને અસમંજસના વાતાવરણ વચ્ચે ગ્રાહકોએ ખરીદીથી અંતર જાળવી લીધું છે. ખાસ કરીને મધ્યમ વર્ગમાં લોકપ્રિય એવા પેન્ડન્ટ, બુટ્ટી, ચેઇન અને વીંટી જેવા નાના ઘરેણાંની ખરીદી પર સૌથી વધુ નકારાત્મક અસર પડી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય નાગરિકોની ખરીદશક્તિ નબળી પડી છે. હાલ સ્થિતિ એવી છે કે બજારમાં નવું નાણું અથવા રોકડ આવવાને બદલે માત્ર ‘ગોલ્ડ એક્સચેન્જ’ (જૂનું સોનું આપીને નવું લેવું) નો ટ્રેન્ડ વધી ગયો છે. ગ્રાહકો નવી મૂડી રોકવાનું ટાળી રહ્યા છે અને બજાર સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે.

સામાન્ય નિયમ મુજબ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવતી લગ્નની સિઝન માટે મે મહિનાના અંતથી અથવા જૂનની શરૂઆતથી જ પરિવારો દાગીનાનું બુકિંગ અને ખરીદી શરૂ કરી દેતા હોય છે. પરંતુ આ વર્ષે મે મહિનાના મધ્યમાં પણ બજાર સાવ સૂમસામ જોવા મળી રહ્યું છે. લગ્નસરાની આ આગોતરી ખરીદી નહિવત રહેતા સોની બજારના વેપારીઓમાં આગામી અર્ધવાર્ષિક ગાળાના ટર્નઓવરને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

સોની બજારના એસોસિએશન સાથે જોડાયેલા અગ્રણીઓનું કહેવું છે કે, આ મંદી માત્ર વેપારીઓ પૂરતી મર્યાદિત નથી. દાગીનાનું ઝીણવટભર્યું કામ કરતા હજારો બંગાળી અને સ્થાનિક કારીગરો તેમજ શો-રૂમમાં કામ કરતા સેલ્સ સ્ટાફના પગાર અને ઘર ચલાવવાના ફાંફા પડી શકે છે. જો આગામી થોડા અઠવાડિયામાં નવી ખરીદી શરૂ નહીં થાય, તો ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકો આર્થિક સંકટમાં સપડાશે.

(Photo-File)

આ પણ વાંચોઃ નેધરલેન્ડ્સમાં નરેન્દ્ર મોદીએ ભારતીય ડાયસ્પોરાને ભારતની સાંસ્કૃતિક શક્તિનું પ્રતીક ગણાવ્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code