રામ મંદિરઃ દાનની ગણતરીમાં રોકાયેલા 23 કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું
અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલા વચ્ચે દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. કર્મચારીઓ કામ પર ન પહોંચવાને કારણે ગુરુવારે (9 જુલાઈ 2026) માત્ર 13 ગણનાકર્મીઓ પાસે ચઢાવાની ગણતરી કરાવવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ભારતીય સ્ટેટ બેંક અને કર્મચારીઓની વ્યવસ્થા કરનારી એજન્સી સામે મુશ્કેલી ઊભી થઈ છે.
મીડિયા અહેવાલ મુજબ, રાજીનામું આપનારા એક કર્મચારીએ જણાવ્યું કે પહેલા મંદિરમાં ચઢાવાની ગણતરી બે શિફ્ટમાં થતી હતી. દરેક કર્મચારી પાસેથી આશરે છ કલાક કામ લેવામાં આવતું હતું. દાનની ચોરીનો મામલો જાહેર થયા બાદ ઘણા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા અને સુરક્ષાના ભાગરૂપે બંને શિફ્ટનું કામ એક જ શિફ્ટમાં કરી દેવામાં આવ્યું. આ પછી કર્મચારીઓની ડ્યુટી સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી, એટલે કે નવ કલાકની કરી દેવામાં આવી.
આ પણ વાંચોઃ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં જબરદસ્ત તેજી: મે 2026માં 1.54 કરોડ મુસાફરોએ કરી ઘરેલું હવાઈ સફર
કર્મચારીનો દાવો છે કે રામ મંદિરમાં દાનની ગણતરી માટે અગાઉ બધાને 14,755 રૂપિયા માસિક વેતન મળતું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને અલગ-અલગ કરી દેવામાં આવ્યું. કોઈ કર્મચારીને 8,000 રૂપિયા તો કોઈને 11,000 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવવા લાગ્યા. મહિનામાં મળતી રજાઓની સંખ્યા પણ ઓછી કરી દેવામાં આવી છે.
બુધવારે સાંજે કામ પૂરું થયા બાદ કર્મચારીઓએ સંગઠિત થઈને આનો વિરોધ કર્યો હતો. તેમણે કામના કલાકો, વેતન અને રજાઓની વ્યવસ્થા પહેલાની જેમ કરવાની માંગ રાખી હતી. સ્ટેટ બેંકના અધિકારીઓ અને સૈનિક સિક્યોરિટીના સુપરવાઈઝર જયરામ યાદવને પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી. આ પછી 23 કર્મચારીઓએ સામૂહિક રાજીનામું અને માંગણી પત્ર સોંપી દીધું હતું.
ગુરુવારે સવારે રાજીનામું આપનારા કોઈ કર્મચારી રામ મંદિર ન પહોંચ્યા ત્યારે બેંક, ટ્રસ્ટ અને એજન્સીના અધિકારીઓ સક્રિય થઈ ગયા હતા. બેંકના જણાવ્યા અનુસાર માત્ર 13 કર્મચારીઓએ ગણતરી કરી હતી જેનાથી કામ પ્રભાવિત થયું છે. નવા કર્મચારીઓની ભરતીની તૈયારી ચાલી રહી છે પરંતુ ચોરીના મામલા બાદ સંપૂર્ણ વેરિફિકેશન વિના કોઈની નિમણૂક કરી શકાય તેમ નથી.
બીજી તરફ, બેંકના એક કર્મચારીએ દાવો કર્યો હતો કે કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે અને હવે આટલા કર્મચારીઓની જરૂર નથી. આ દરમિયાન ટ્રસ્ટના કાર્યવાહક મહાસચિવ કૃષ્ણ મોહને અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સાથે મુલાકાત કરી હતી. આશરે એક કલાક ચાલેલી આ બેઠકમાં પણ કર્મચારીઓનાં રાજીનામાં અંગે વાતચીત થઈ હોય એવું માનવામાં આવે છે.


