1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો, SITને મળી નકલી રસીદ બુક
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો, SITને મળી નકલી રસીદ બુક

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો, SITને મળી નકલી રસીદ બુક

0
Social Share

અયોધ્યા, 8 જુલાઈ 2026: વિશ્વપ્રસિદ્ધ અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાન (ચઢાવા)ની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને તેમની નિશાનદેહીના આધારે સિટએ કૌભાંડમાં વપરાતી નકલી રસીદ બુક રિકવર કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર દાનની ચોરી જ નહોતા કરતા, પરંતુ રામ મંદિરના નામે નકલી રસીદ ફાડીને ભોળા શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા પણ પડાવતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ના નામે છાપેલી જૂની નકલી રસીદ બુક મળી આવી છે. શરૂઆતના દિવસોમાં જ્યારે કોઈ ભક્ત મંદિરમાં મોટું દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતો, ત્યારે ટિન્નુ યાદવ, લવકુશ મિશ્રા, કરુણેશ પાંડે અને અનુકલ્પ મિશ્રા સહિતની ટોળકી શ્રદ્ધાળુઓને વિશ્વાસમાં લેવા માટે આ આબેહૂબ નકલી રસીદ પધરાવી દેતી હતી જેથી કોઈને શંકા ન જાય.

આરોપીઓએ કૌભાંડ આચરવા માટે જે રસીદ બનાવી હતી તેના પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો સત્તાવાર લોગો પણ છાપ્યો હતો. આ રસીદ દેખાવમાં બિલકુલ અસલી રસીદ જેવી જ લાગતી હતી. જો કે, બાદમાં ટ્રસ્ટ દ્વારા નવી વ્યવસ્થા હેઠળ ડિજિટલ અને ઓનલાઇન રસીદ આપવાનું શરૂ કરાતા પકડાઈ જવાના ડરે આ ટોળકીએ કાગળની નકલી રસીદોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. રામ મંદિરમાં કાગળની રસીદ પ્રથા બંધ થયા પછી, દાતાઓ સીધા રામ મંદિરના બેંક ખાતામાં નાણાં મોકલતા હતા અથવા મંદિર પરિસરમાં આવેલા અધિકૃત દાન કાઉન્ટર પરથી જ સ્લિપ મેળવતા હતા.

  • ‘SIT માત્ર લોકોને મૂર્ખ બનાવી રહી છે’: અરવિંદ કેજરીવાલ

દરમિયાન, આ મામલે હવે જોરદાર રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ તપાસ સામે સવાલો ઉઠાવતા દાવો કર્યો છે કે, “રામ મંદિર દાન ચોરી કેસમાં અસલી ચોર કોઈક બીજા જ છે. આ સિટ માત્ર લોકોને મૂર્ખ બનાવવા માટે રચવામાં આવી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશની જનતાને બધું જ દેખાઈ રહ્યું છે કે આ હાઈપ્રોફાઈલ મામલાને રફા-દફા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારના માધ્યમિક શિક્ષણ મંત્રી ગુલાબ દેવીએ પલટવાર કરતા જણાવ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરી કેસમાં એટલી કડક અને સચોટ તપાસ સમિતિની રચના કરી છે કે કોઈ પણ ‘ચંદા ચોર’ કાયદાના સિકંજામાંથી બચી શકશે નહીં, પછી ભલે તે ગમે તેટલા મોટા અને વગદાર હોદ્દા પર કેમ ન બેઠો હોય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code