1. Home
  2. ગુજરાતી
  3. રાત્રિના વધતા તાપમાનને કારણે દેશના મોટા શહેરોમાં લોકોની ઊંઘ છીનવાઈ
રાત્રિના વધતા તાપમાનને કારણે દેશના મોટા શહેરોમાં લોકોની ઊંઘ છીનવાઈ

રાત્રિના વધતા તાપમાનને કારણે દેશના મોટા શહેરોમાં લોકોની ઊંઘ છીનવાઈ

0
Social Share

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: ભારતના મોટા શહેરોમાં બદલાઈ રહેલું હવામાન હવે લોકોની રોજિંદી જિંદગી અને સ્વાસ્થ્ય પર ખૂબ જ માઠી અસર પહોંચાડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર દિવસનું જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. ગરમ રાતોના કારણે લોકોને પૂરતી ઊંઘ ન આવવી, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી અને સવારે અતિશય થાક અનુભવો જેવી ગંભીર સમસ્યાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રખ્યાત સંશોધન સંસ્થા ‘ક્લાઈમેટ સેન્ટ્રલ’ દ્વારા કરાયેલા એક વૈશ્વિક અભ્યાસમાં ભારતના શહેરોને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.

  • ક્લાઈમેટ સેન્ટ્રલના અભ્યાસમાં શું બહાર આવ્યું?

સંસ્થાએ વર્ષ 2020 થી 2025 વચ્ચે વિશ્વના 1300 થી વધુ અને ભારતના 100 થી વધુ શહેરોના વિવિધ આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. આ સ્ટડી અનુસાર, રાત્રિના વધતા તાપમાનના કારણે ભારતના મેટ્રો શહેરોમાં લોકોની વાર્ષિક ઊંઘવાના કલાકોમાં મોટો ઘટાડો નોંધાયો છે:

ચેન્નઈ: આ યાદીમાં સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે, જ્યાં લોકોને દર વર્ષે સરેરાશ 93 કલાક ઓછી ઊંઘ મળે છે.
મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં દર વર્ષે સરેરાશ 84 કલાક ઊંઘ ઓછી થઈ રહી છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના આ મહાનગરમાં વાર્ષિક સરેરાશ 80 કલાક ઊંઘ ઘટી છે.
અમદાવાદ: ગુજરાતના આ મુખ્ય શહેરમાં પણ ગરમીના કારણે લોકો વાર્ષિક 78 કલાક ઓછી ઊંઘ મેળવી રહ્યા છે.
અન્ય શહેરો: આ યાદીમાં હૈદરાબાદ (75 કલાક), બેંગલુરુ (67 કલાક), દિલ્હી (66 કલાક) અને પુણે (65 કલાક) પણ પાછળ નથી.

વિશેષજ્ઞોના મતે, આ વાર્ષિક ઘટાડામાંથી આશરે 5 થી 8 કલાકની સીધી અછત ક્લાઈમેટ ચેન્જના કારણે વધેલા રાત્રિના તાપમાન સાથે સીધી રીતે જોડાયેલી છે.

  • ગરમ રાતો કઈ રીતે સ્વાસ્થ્ય બગાડે છે?

તબીબી વિજ્ઞાન અનુસાર, માનવ શરીરને ઊંડાણપૂર્વકની અને આરામદાયક ઊંઘ મેળવવા માટે શરીરનું તાપમાન કુદરતી રીતે થોડું ઓછું થવું જરૂરી છે. પરંતુ જ્યારે રાત્રે પણ વાતાવરણ ગરમ રહે છે, ત્યારે શરીરને ઠંડું થવામાં અવરોધ ઊભો થાય છે. લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન મળવાથી હૃદયરોગ, નસોની નબળાઈ, માનસિક તણાવ, ચીડિયાપણું અને રોજિંદા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી ગંભીર બીમારીઓ ઘર કરી જાય છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ઘેન ચડવું અને રોડ અકસ્માતો થવાનું જોખમ પણ વધી જાય છે.

  • સુખદાયક ઊંઘ માટે ડોક્ટરોની અગત્યની સલાહ

સોવાના બેડરૂમ અથવા રૂમને બને તેટલો ઠંડો અને હવાની અવરજવર વાળો રાખવો.
રાત્રે સૂતા પહેલા ભારે ખોરાક ન લેવો અને કેફીનયુક્ત પીણાં (ચા કે કોફી) ટાળવા.
સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા મોબાઈલ, લેપટોપ કે ટીવી સ્ક્રીનથી દૂર રહેવું.
સુતરાઉ અને ઢીલા વસ્ત્રો પહેરવા તેમજ શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code