1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સરકારી આવાસ ભાડે આપનારાઓ સામે હવે થશે પોલીસ ફરિયાદ, દસ્તાવેજ પણ રદ થશે
અમદાવાદમાં સરકારી આવાસ ભાડે આપનારાઓ સામે હવે થશે પોલીસ ફરિયાદ, દસ્તાવેજ પણ રદ થશે

અમદાવાદમાં સરકારી આવાસ ભાડે આપનારાઓ સામે હવે થશે પોલીસ ફરિયાદ, દસ્તાવેજ પણ રદ થશે

0
Social Share

અમદાવાદ, 27 જુલાઈ 2026: સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારી યોજનાઓ હેઠળ ફાળવવામાં આવતા આવાસ (મકાનો) અંગે તંત્ર દ્વારા હવે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મોટાભાગે જોવા મળતું હોય છે કે આવા આવાસ મેળવનાર લાભાર્થીઓ નિયમો વિરુદ્ધ જઈને મકાનો અન્ય વ્યક્તિઓને ભાડે આપી દેતા હોય છે. આ ગેરરીતિ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર મકાનમાલિકો સામે હવે કાયદાકીય શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

સાત વર્ષ સુધી ભાડે આપવા પર પ્રતિબંધ સરકારી નિયમો મુજબ, યોજના હેઠળ ફાળવવામાં આવેલું મકાન મળ્યા તારીખથી લઈને આગામી સાત વર્ષ સુધી તેને અન્ય કોઈને ભાડે આપી શકાતું નથી કે વેચી શકાતું નથી. આ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા પહેલાં જ જે લોકો મકાન ભાડે આપતા પકડાશે, તેમની સામે તંત્ર દ્વારા તબક્કાવાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

  • નિયમભંગ કરવા પર કેવા પ્રકારના દંડ અને સજાની જોગવાઈ છે?

જો કોઈ મકાનમાલિક પહેલીવાર મકાન ભાડે આપતા ઝડપાશે, તો તેને ઓછોમાં ઓછો રૂ. 50,000 નો દંડ ફટકારવામાં આવશે અને તે મકાનને તાત્કાલિક અસરથી 90 દિવસ (ત્રણ મહિના) માટે સીલ કરી દેવામાં આવશે. જો કોઈ શખ્સ વારંવાર નિયમોની અવગણના કરીને બીજી વખત મકાન ભાડે આપશે, તો દંડની રકમ સીધી બમણી એટલે કે રૂ. 1 લાખ કરી દેવામાં આવશે અને ફરીથી મકાનને 90 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે. જો કોઈ મકાનમાલિક ત્રીજી વખત આ જ ગેરરીતિ આચરતા પકડાય, તો તેની સામે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રહેમરાહ વગર સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવશે અને તે મકાનના દસ્તાવેજો કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે. તંત્રના આ નિર્ણયને પગલે સરકારી આવાસોમાં ગેરકાયદેસર ભાડૂતો રાખીને વેપાર કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code