Homeગુજરાતીભારતીય લશ્કરની સુરક્ષા અભેદ્ય બનશે: DRDO એ સંપૂર્ણ સ્વદેશી ક્વાન્ટમ નેટવર્કનું સેના...

ભારતીય લશ્કરની સુરક્ષા અભેદ્ય બનશે: DRDO એ સંપૂર્ણ સ્વદેશી ક્વાન્ટમ નેટવર્કનું સેના માટે કર્યું સફળ ફિલ્ડ ટ્રાયલ

ભારતીય લશ્કરની સુરક્ષા અભેદ્ય બનશે: DRDO એ સંપૂર્ણ સ્વદેશી ક્વાન્ટમ નેટવર્કનું સેના માટે કર્યું સફળ ફિલ્ડ ટ્રાયલ

બેંગલુરુ, 16 જુલાઈ 2026: ભારતીય સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરતાં, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. DRDO એ બેંગલુરુ સ્થિત અદ્યતન ટેકનોલોજી કંપની ‘તક્રબીત લેબ્સ’ના સહયોગથી ક્વાન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું લશ્કરી ક્ષેત્રે સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યું છે.

  • મિલિટરી કમ્યુનિકેશન સંપૂર્ણપણે ‘હૅક-પ્રૂફ’ બનશે

આ અદ્યતન ટેકનોલોજીના અમલીકરણ સાથે ભારતની સૈન્ય વ્યવસ્થા અને વ્યૂહાત્મક સંચાર નેટવર્ક સંપૂર્ણપણે સુરક્ષિત અને અજેય બની જશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ટેકનોલોજી એટલી સુરક્ષિત છે કે ભવિષ્યમાં આવનારા અતિ-આધુનિક સુપર કમ્પ્યુટર્સ પણ આ નેટવર્કને તોડી શકશે નહીં કે તેની જાસૂસી કરી શકશે નહીં. જો કોઈ દુશ્મન દેશ કે હેકર આ કમ્યુનિકેશન સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કરશે, તો તેની તુરંત જ ભાળ મળી જશે.

  • શું છે ક્વાન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન (QKD) ટેકનોલોજી?

આ એક અત્યંત જટિલ સુરક્ષા તકનીક છે, જેમાં ડેટા ટ્રાન્સમિશન માટે પ્રકાશના અત્યંત સૂક્ષ્મ કણો એટલે કે ‘ફોટોન્સ’નો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે જો રસ્તામાં કોઈ ત્રીજી વ્યક્તિ ડેટા ચોરવાનો કે વાર્તાલાપ સાંભળવાનો પ્રયાસ કરે, તો ક્વાન્ટમ ફિઝિક્સના નિયમો અનુસાર ડેટા પોતાની મેળે જ બદલાઈ જાય છે. આ બદલાવને કારણે મોકલનાર અને મેળવનાર બંનેને તરત એલર્ટ મળી જાય છે અને નેટવર્ક હૅક થતું બચી જાય છે.

  • ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત અનોખી સિદ્ધિ

DRDO ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત સંપૂર્ણપણે દેશમાં જ ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. લેબોરેટરીના સ્તરે સફળ રહ્યા બાદ હવે તેને સીમાઓ પર સેનાની વાસ્તવિક જરૂરિયાતો માટે જમીન પર ઉતારવામાં આવી છે. આ સફળ ટ્રાયલ બાદ હવે સમગ્ર દેશમાં સંવેદનશીલ ડેટાના રક્ષણ માટે મોટા પાયે ‘મલ્ટી-હોપ ક્વાન્ટમ નેટવર્ક’ (સુરક્ષા ગ્રીડ) બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular