ભૂજ, 16 જુલાઈ, 2026 : Acute shortage of fodder and water for livestock in the Banni region કચ્છમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. કચ્છમાં સીઝનનો માત્ર 2.14 ટકા જ વરસાદ પડ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. તેમજ જિલ્લાના બન્ની વિસ્તારમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની તંગીથી પશુપાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા પશુઓ માટે તાકીદે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં જેની ગણના થાય છે તેવા કચ્છના બન્ની પંથકમાં હાલ વરસાદ ખેંચાતા દુકાળની અસર જોવા મળી રહી છે. પશુઓમાં ભૂખમરાની સ્થિતિ છે. ગત વર્ષે 10મી જુલાઈ સુધીમાં 57 ટકાથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે કચ્છમાં માત્ર 2.14 ટકા જ વરસાદ થયો છે, બન્ની વિસ્તાર સંપૂર્ણ વરસાદ આધારિત છે. બન્ની નસલની ભેંસો એક-એક તણખું ઘાસ અને પાણીના ટીપા માટે ટળવળી રહી છે. બન્નીમાં અંદાજીત 40 હજાર જેટલી માનવ વસતી સામે દોઢ લાખથી પણ વધુ પશુધન છે. અહીંના માલધારીઓ માટે પશુ માત્ર સંપત્તિ નથી, પરંતુ પરિવારના સભ્ય છે. સીમમાં ચરિયાણ સાવ ખતમ થઈ જતાં પશુધનની હાલત દયનીય બની છે. ભૂખ અને તરસના કારણે આ અબોલ જીવ પોતાના પગ પર ઉભો થવાની તાકાત પણ ગુમાવી ચૂક્યો છે.
બન્નીના સરાડા ગામમાં છેલ્લા 5 દિવસથી પાણી ન આવતાં સ્થાનિક લોકો અને માલધારીઓની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે. એકતરફ સીમમાં ઘાસ ન હોવાના કારણે લાખેણી ભેંસો ભૂખથી મરણતોલ બની છે, ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે પાણી ન મળતાં ગામમાં આવેલા પાણીના હવાડા પણ ખાલી પડ્યા છે. જેથી અબોલ જીવો અને ગ્રામજનો તરસથી ટળવળી રહ્યા છે.

