ભુજ, 09 ઓક્ટોબર 2026: ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાવડા નજીક આવેલા RE (રિન્યુએબલ એનર્જી) પાર્ક પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી બોલેરો કાર એક ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાત શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લગભગ 20 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અહેવાલો અનુસાર, ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને કેટલાક મજૂરો ટ્રકની નીચે ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી; ટ્રકની નીચે ફસાયેલા મજૂરોની મદદ માટેની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
રાહત અને બચાવ કામગીરી ચાલું
ઘટના અંગે માહિતી મળતાં જ પશ્ચિમ કચ્છ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને બચાવ ટીમોએ વાહનોની નીચે ફસાયેલા કે દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલ શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
પશ્ચિમ કચ્છ પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગો જાણવા માટે પ્રયાસ કરી રહી છે. સાથે જ, મૃતકની સત્તાવાર ઓળખ કરવા અને ઘાયલોની સ્થિતિ પર નજર રાખવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ દુઃખદ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વધુ વાંચો: છત્તીસગઢના સુકમામાં વિસ્ફોટકોનો નિકાલ કરતી વખતે બ્લાસ્ટ, CRPFના 4 જવાનો ઘાયલ


