ભુજ, 16 જુલાઈ 2026: આજે અષાઢી બીજના પાવન પર્વે જ્યારે સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં પણ કચ્છી નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા છે. ગણતરીની મિનિટોના અંતરે આવેલા આ બે આંચકાઓને કારણે તહેવારની ઉજવણી વચ્ચે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છના સરહદી વિસ્તાર એવા ખાવડામાં બપોરે 2.20 કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.6 ની માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે ૩૨ કિલોમીટર દૂર નોંધાયું હતું. આ આંચકો સામાન્ય કરતાં વધુ તીવ્ર હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી.
હજુ તો લોકો પ્રથમ આંચકાની આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ, તેનાથી માત્ર બે મિનિટ બાદ એટલે કે બપોરે 2.22 કલાકે કચ્છના ઐતિહાસિક ધરોહર ધરાવતા ધોળાવીરા પંથકમાં બીજો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 ની નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ પણ ધોળાવીરાથી ૩૨ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ બંને આંચકાઓને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ તહેવારના દિવસે ધરા ધ્રૂજતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

