Homeગુજરાતીદેશ-વિદેશવિદ્યાર્થી આંદોલનઃ દિલ્હી પોલીસે ખિલ્લીઓ લગાવેલી લાકડીના આરોપોને નકાર્યો

વિદ્યાર્થી આંદોલનઃ દિલ્હી પોલીસે ખિલ્લીઓ લગાવેલી લાકડીના આરોપોને નકાર્યો

નવી દિલ્હી, 18 ઓગસ્ટ 2026: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા વિદ્યાર્થી આંદોલન અને પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીને લઈને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ કરી છે. બિહાર સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્વીકાર્યું છે કે પ્રદર્શન દરમિયાન સિવાનમાં એક પોલીસકર્મી ભીડ વચ્ચે ઘેરાઈ ગયો હોવાથી સ્વબચાવમાં પોતાની એકે-47 રાઈફલથી હવામાનમાં ફાયરિંગ કર્યું હતું. જો કે, સરકારે દાવો કર્યો છે કે આ ફાયરિંગના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી. દરમિયાન દિલ્હી પોલીસે પણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ઉપર ખિલ્લીઓ લગાવેલી લાકડીઓનો ઉપયોગ કરવાના આરોને નકાર્યો હતો. તેમજ દાવો કર્યો હતો કે, આંદોલનમાં હત્યા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા 2800થી વધારે ગુનેગારોમાં સામેલ થયાં હતા.

બિહાર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા મુજબ, સિવાનના જેપી ચોક પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મી ઉગ્ર ભીડની વચ્ચે ફસાઈ ગયો હતો. પોતાની આત્મરક્ષા અને સુરક્ષા માટે તેણે એકે-47માંથી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી, પરંતુ શિસ્તભંગ અને અવાંછિત વર્તનને કારણે તે પોલીસકર્મીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત, હાથી ચોક પાસે ભીડને નિયંત્રિત કરવા માટે એક સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા 9 એમએમ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે ત્રણ પ્રદર્શનકારીઓને મામૂલી ઈજાઓ પહોંચી હતી. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઈજાઓ એકે-47ની ગોળીથી નથી થઈ, તેમ છતાં હથિયાર અને ગોળીના એંગલની ચોકસાઈ માટે બેલિસ્ટિક તપાસ ચાલી રહી છે. સરકારે એમ પણ સ્વીકાર્યું છે કે, એકે-47 એ સ્પેશિયલ ઓપરેશન માટેનું પ્લેટૂન-સ્તરનું હથિયાર છે, તેનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે થવો જોઈએ નહીં.

  • હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ

સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે પ્રદર્શન દરમિયાન રાજ્યના અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી અને સરકારી કર્મચારીઓ તથા પોલીસ પર હુમલા કરવામાં આવ્યા હતા. છપરામાં થયેલી હિંસામાં 2 BDO, 3 ઇન્સ્પેક્ટર, 2 સબ-ઇન્સ્પેક્ટર અને 11 કન્સ્ટેબલ સહિત કુલ 157 પોલીસકર્મીઓ અને 7 સરકારી કર્મચારીઓ ઘાયલ થયા હતા. એક BDO પોતાની આંખ ગુમાવી બેઠા છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે. રાજ્યમાં 22 થી 25 જુલાઈ વચ્ચે કુલ 69 FIR નોંધાઈ હતી અને આશરે 500 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ કોઈ જ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા 222 વિદ્યાર્થીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા 75 સગીરોને પણ છોડી મૂકવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસે પ્રદર્શન દરમિયાન ખિલ્લીઓ લગાવેલી લાકડીના આરોપોને નકાર્યાં હતા, તેમજ કહ્યું હતું કે, વીડિયોમાં એવી એક ઘટના દેખાઈ છે પરંતુ આ લાકડી પોલીસ કર્મચારીના હાથમાં ન હતી પરંતુ એક દેખાવકારની પાસે હતી. સામાન્ય લાકડીઓનો ઉપયોગ પણ ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસ સાદા કપડામાં પણ તૈનાત કરવામાં આવ્યાં હતા. સ્પેશિયલ બ્રાન્ચ, સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના જવાનો ભીડમાં સામેલ થઈને સ્થિતિ ઉપર નજર રાખે છે. આવુ મોટા સાર્વજનિક આયોજનમાં કરવામાં આવે છે. દેખાવ સ્થળ પર ફેશિયલ રિકગ્રનિશન સોફ્ટવેરના ઉપયોગ મામલે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, માત્ર ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા 2873 લોકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ-લૂંટ, બળાત્કાર અને પોસ્કો જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular