Homeગુજરાતીદેશ-વિદેશભારતીય સેનાના સ્વદેશી જોરાવર લાઇટ ટેંકના કવચમાં ફેરફાર થશે, 59 ટેંક બે...

ભારતીય સેનાના સ્વદેશી જોરાવર લાઇટ ટેંકના કવચમાં ફેરફાર થશે, 59 ટેંક બે અલગ કોન્ફિગરેશનમાં બનશે

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2026: ભારતીય સેનાના સ્વદેશી ‘જોરાવર’ લાઇટ ટેંક પ્રોજેક્ટમાં આર્મર એટલે કે તેની સુરક્ષા પ્રણાલીને લઈને મોટા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બેચના 59 ટેંકને બે અલગ-અલગ કોન્ફિગરેશનમાં તૈયાર કરવાના વિકલ્પ પર વિચારણા થઈ રહી છે, જેમાં 18 અને 41 ના સંભવિત વિભાજનની યોજના બનાવવામાં આવી રહી છે. જોકે, આ સંખ્યા અને વિભાજન અંગે હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. જોરાવર ટેંકને આશરે 25 ટન વજન સાથે લાઇટ ટેંક તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ લડાખની એલએસી જેવા અત્યંત ઊંચાઈ અને વિષમ ભૂપ્રદેશ ધરાવતા વિસ્તારોમાં ભારતીય સેનાને એવી ઘાતક ક્ષમતા પૂરી પાડવાનો છે, જે ભારે ટેંકની સરખામણીએ વધુ ઝડપથી તૈનાત અને ઓપરેટ કરી શકાય.

જોરાવરના મૂળ ડિઝાઈનમાં ફ્રન્ટલ પ્રોટેક્શન STANAG 4569 Level-4 આસપાસ રાખવામાં આવી હતી. પરંતુ હવે સેના દ્વારા આ સુરક્ષા સ્તર વધારીને Level-6 સુધી લઈ જવાની માંગ કરવામાં આવી છે. આ સ્તર 30mm APFSDS જેવા ઘાતક હુમલાઓ સામે ટેંકને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવે છે. જોકે, અહીં સૌથી મોટો પડકાર વજનનો છે. ટેંકમાં વધુ આર્મર ઉમેરવાથી તેનું વજન વધશે. વજન વધવાની સાથે તેના એન્જિન અને પાવર પેકને પણ અપગ્રેડ કરવાની જરૂર પડશે, જેની સીધી અસર ટેંકની મોબિલિટી, ટ્રાયલ અને ઈન્ડક્શન ટાઈમલાઈન પર પડી શકે છે.

  • 59 ટેંકના બેચમાં શું ફેરફાર થશે?

સૂત્રો મુજબ, એક વિકલ્પ એવો વિચારવામાં આવી રહ્યો છે કે શરૂઆતના ટેંકને મૂળ 25 ટનના ડિઝાઈન મુજબ જ રાખવામાં આવે, જ્યારે પછીના ટેંકમાં વધુ આર્મર અને વધુ શક્તિશાળી પાવર પેક આપવામાં આવે. આ જ સંદર્ભમાં 59 ટેંકને બે ભાગમાં વહેંચવાની વાત સામે આવી છે (18 ટેંક પ્રાથમિક કોન્ફિગરેશન અને 41 ટેંક અપગ્રેડેડ કોન્ફિગરેશન).

  • સેનાને કુલ 354 ‘જોરાવર’ ટેંકની જરૂરિયાત

ભારતીય સેનાને કુલ 354 લાઇટ ટેંકની જરૂર છે. જેમાંથી પ્રારંભિક 59 ટેંક DRDO અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યા છે. જ્યારે બાકીના 295 ટેંક માટે ‘Make-I’ પ્રક્રિયા હેઠળ ખાનગી કંપનીઓ વચ્ચે સ્પર્ધાત્મક ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોરાવર ટેંકમાં 105mm ની મુખ્ય તોપ સાથે આધુનિક સર્વેલન્સ, કોમ્યુનિકેશન અને બેટલફીલ્ડ સિચ્યુએશનલ અવેરનેસ ક્ષમતાઓ સામેલ છે.

  • ચીનના Type-15 ટેંક સામે મજબૂત પડકાર

પૂર્વ લડાખ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ચીન પાસે પહેલાથી જ Type-15/ZTQ-15 લાઇટ ટેંક ઉપલબ્ધ છે. આવા વિષમ વિસ્તારોમાં હળવા ટેંકની ઉત્તમ ગતિશીલતા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીનના આ ટેંકનો સામનો કરવા માટે જ જોરાવરને ઓછા વજન અને બહેતર પાવર-ટુ-વેટ રેશિયો સાથે વિકસાવવામાં આવી રહ્યો છે.

  • 2028-29 સુધીમાં સેનામાં સામેલ થવાની શક્યતા

સેનાના સૂત્રો અનુસાર, જોરાવર ટેંક 2028-29 દરમિયાન સેનામાં વિધિવત રીતે સામેલ થાય તેવી શક્યતા છે. આ માટે વપરાશકર્તા મૂલ્યાંકન અને સફળ ટ્રાયલ્સ જરૂરી રહેશે. સેના માટે હવે સુરક્ષા અને ગતિશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું એ સૌથી મહત્વનો મુદ્દો રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular