ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શાકાહારી અને વેગન લાઈફસ્ટાઈલ પ્રત્યે લોકોનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધ્યો છે. લોકો હેલ્થ, પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવા પ્લાન્ટ-બેઝ્ડ ડાયટ તરફ વળી રહ્યા છે. જોકે, યોગ્ય માહિતીના અભાવે અને ડાયટમાં સંતુલન ન જાળવવાને કારણે શાકાહારી લોકોમાં કેટલાક જરૂરી પોષક તત્ત્વોની ઉણપ જોવા મળી રહી છે. નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર, જો શાકાહારી ખોરાક યોગ્ય આયોજન સાથે લેવામાં ન આવે તો શરીરમાં ખાસ કરીને વિટામિન B12, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ અને ઓમેગા-3 ફેટી એસિડની કમી સર્જાઈ શકે છે.
-
વિટામિન B12 ની કમી છે સૌથી વધુ ગંભીર
ગેસ્ટ્રોએન્ટરોલોજી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિટામિન B12 મુખ્યત્વે એનિમલ પ્રોડક્ટ્સમાંથી મળે છે. તેથી શાકાહારી લોકોમાં એક ઉંમર પછી તેની ઉણપ સામાન્ય બની જાય છે. વિટામિન B12 ની કમીથી શરીરમાં સતત થાક, નબળાઈ, હાથ-પગમાં ખાલી ચડવી અને ચેતાતંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. શાકાહારી લોકો ‘ફોર્ટિફાઈડ ફૂડ્સ’ દ્વારા તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી શકે છે.
-
આયર્ન અને પ્રોટીનની ઉણપથી થતા જોખમો
આયર્ન : શરીરમાં આયર્નની કમીથી હિમોગ્લોબિન ઘટે છે, જેનાથી એનિમીયા (લોહીની ટકાવારી ઘટવી), ચક્કર આવવા અને શ્વાસ ફૂલવાની તકલીફ થાય છે.
પ્રોટીન : પર્યાપ્ત પ્રોટીન ન મળવાથી મસલ્સ (સ્નાયુઓ) ની તાકાત ઘટે છે અને શરીરના કોષોની રીકવરી ધીમી પડી જાય છે.
કેલ્શિયમ અને ઓમેગા-3 : કેલ્શિયમની ઉણપથી લાંબા ગાળે હાડકાં નબળાં પડે છે, જ્યારે ઓમેગા-3 ફેટી એસિડ મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.
-
શાકાહારીઓએ ડાયટમાં શું સામેલ કરવું જોઈએ?
ડોક્ટર્સના મતે જો શાકાહારી ડાયટ સંતુલિત હોય તો શરીરને તમામ પોષણ મળી શકે છે. શાકાહારી લોકોએ પોતાના રોજિંદા ખોરાકમાં નીચે મુજબની વસ્તુઓ અવશ્ય સામેલ કરવી જોઈએ. પ્રોટીન અને આયર્ન માટે દાળ, ચણા, રાજમા, સોયાબીન, પનીર, દૂધ અને દહીંનો આહારમાં સામેલ કરવુ જોઈએ, કેલ્શિયમ માટે રાગી, તલ અને લીલા શાકભાજી, તમેજ ઓમેગા-3 માટે અળસી, ચિયા સીડ્સ અને અખરોટનો સમાવેશ કરવો જોઈએ..
મહત્વની સલાહ: શરીરમાં કોઈપણ પોષક તત્ત્વની ઉણપના લક્ષણો જણાય તો જાતે જ વિટામિન સપ્લીમેન્ટ્સ લેવાને બદલે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ જરૂરી બ્લડ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
—


