Homeગુજરાતીદેશ-વિદેશઝારખંડ ભરતી વિવાદ: વિદ્યાર્થી આંદોલન સામે હેમંત સોરેન ઝુક્યાં, JSSC-CGL પરીક્ષા રદ

ઝારખંડ ભરતી વિવાદ: વિદ્યાર્થી આંદોલન સામે હેમંત સોરેન ઝુક્યાં, JSSC-CGL પરીક્ષા રદ

રાંચી, 18 ઓગસ્ટ 2026: ઝારખંડમાં JPSC અને JSSCની વિવિધ ભરતી પરીક્ષાઓને લઈને ઉગ્ર વિદ્યાર્થી આંદોલન બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને મોટો નિર્ણય લેતા JSSC-CGL પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ TDPL એજન્સી દ્વારા લેવાયેલી અન્ય પરીક્ષાઓ પણ રદ કરવામાં આવશે અને વર્ષ 2014 થી અત્યાર સુધીની તમામ ભરતી પરીક્ષાઓની વ્યાપક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકારના આ એલાન બાદ ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્ર નાથ મહતો, ઉમ્મે હબીબા અને રાહુલ ક્રાંતિએ પોતાના ઉપવાસ સમેટાઈ લીધા છે, પરંતુ વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ હજુ પણ CBI તપાસની માંગ સાથે આંદોલન પર અડગ છે. પરીક્ષા રદ થવા છતાં કેટલાક એવા સવાલો છે જેના જવાબ હજુ મળવાના બાકી છે, જેના કારણે આ વિવાદ હજુ શમતો દેખાઈ રહ્યો નથી.

JSSC-CGL પાસ કરનાર ઉમેદવારોનું શું થશે?

પરીક્ષા રદ થવાથી સૌથી મોટો ફટકો એવા યુવાનોને પડ્યો છે જેમણે આ પરીક્ષા પાસ કરી હતી, સિલેક્શન પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને કેટલાક કિસ્સાઓમાં નોકરી પણ મેળવી લીધી હતી. પરીક્ષા રદ થવાના પગલે સિલેક્ટ થયેલા ઉમેદવારોએ સરકારના નિર્ણય સામે વિરોધ શરૂ કર્યો છે. સરકારે હવે એ સ્પષ્ટ કરવું પડશે કે, અગાઉ નિયુક્ત થયેલા ઉમેદવારોનું શું થશે? શું તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે કે પછી તેમની નોકરી માટે કોઈ અલગ કાનૂની વ્યવસ્થા કરવામાં આવશે? આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે.

CBI તપાસની માંગ હજુ અધૂરી

વિદ્યાર્થી આંદોલનની મુખ્ય માંગણીઓમાં CBI તપાસ પણ સામેલ હતી, પરંતુ સરકારે હજુ સુધી આ માંગ સ્વીકારી નથી. હાલમાં સરકારે CID/SIT દ્વારા તપાસ અને 2014થી અત્યાર સુધીની પરીક્ષાઓની વ્યાપક તપાસની વાત કરી છે. વિદ્યાર્થીઓનો તર્ક છે કે જો આટલા વર્ષોમાં અનેક પ્રાઇવેટ કંપનીઓ અને એજન્સીઓની ગેરરીતિ સામે આવી છે, તો આ કેસની તપાસ કોઈ સ્વતંત્ર કેન્દ્રીય એજન્સી (CBI) દ્વારા કેમ કરાવવામાં નથી આવી રહી?

TDPLની તમામ પરીક્ષાઓ રદ, પરંતુ સ્પષ્ટ માર્ગદર્શિકાનો અભાવ

સરકારે TDPL દ્વારા લેવાયેલી પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં પરીક્ષા, પરિણામ અને પસંદગી પ્રક્રિયા રદ થવાની વાત છે. પરંતુ કઈ-કઈ પરીક્ષાઓ રદ થશે? કોના પરિણામો પર અસર પડશે? જેઓની નિમણૂક થઈ ચૂકી છે તેમનું શું થશે? અને નવી પરીક્ષાઓ ક્યારે લેવાશે? તેને લઈને સરકારે હજુ સુધી કોઈ લેખિત આદેશ કે પરીક્ષાઓની અધિકૃત યાદી જાહેર કરી નથી. માત્ર મૌખિક જાહેરાતના કારણે વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે.

11મી-13મી JPSC પર પણ સવાલો યથાવત

સૌથી સંવેદનશીલ મામલો 11મી-13મી JPSC સાથે જોડાયેલો છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરીક્ષાની મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં પણ TDPLની ભૂમિકા રહી હતી. હવે જ્યારે સરકાર TDPL સાથે જોડાયેલી પરીક્ષાઓ રદ કરવાની વાત કરી રહી છે, ત્યારે 11મી-13મી JPSC અંગે સરકારનું અંતિમ વલણ શું હશે તે સ્પષ્ટ નથી. જોકે, ૧૪મી JPSC રદ કરવાની જાહેરાત અગાઉ જ કરવામાં આવી ચૂકી છે.

વય મર્યાદામાં છૂટછાટનું શું?

ભરતી પરીક્ષાઓમાં સતત વિલંબ અને પેપરલીક કે પરીક્ષાઓ રદ થવાને કારણે ઉમેદવારોની ઉંમર વધી રહી છે, જેની સીધી અસર તેમના ભવિષ્ય પર પડી છે. આ જ કારણે આંદોલનકારીઓ વય મર્યાદામાં છૂટછાટ આપવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. માત્ર પરીક્ષા ફરીથી યોજવી પૂરતી નથી, પરંતુ જૂના ઉમેદવારોને ન્યાય આપવા માટે વય મર્યાદામાં છૂટ આપવી પણ અનિવાર્ય છે.

2014થી તપાસનો વ્યાપ કેટલો મોટો હશે?

મુખ્યમંત્રીએ 2014થી અત્યાર સુધીની તમામ ભરતીઓની તપાસના આદેશ આપ્યા છે. CID અને SITની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, જે દર્શાવે છે કે આ મામલો માત્ર JSSC-CGL પૂરતો સીમિત નથી પરંતુ એક મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે 2014થી આજદિન સુધીની કેટલી પરીક્ષાઓ તપાસના દાયરામાં આવે છે અને જો જૂની પરીક્ષાઓમાં ગરબડ સાબિત થાય તો અગાઉ થયેલી નિમણૂકોનું શું થશે?

Jharkhand JSSC CGL Exam Cancelled, Hemant Soren JPSC Decision, TDPL Agency Exam Scam, Jharkhand Student Protest, CBI Inquiry Demand, JPSC News in Gujarati, Ranchi News

સંબંધિત લેખો

Most Popular