વડોદરા, 16 ઓગસ્ટ, 2026 : Student dies after suffering electric shock while practicing football. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલ કમ્પાઉન્ડમાં ફૂટબોલની પ્રેકટિસ કરી રહેલા 15 વર્ષીય કિશોર બોલ લેવા જતા વીજ થાંભલાને સ્પર્શ કરતા જ વીજકરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતુ. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવ કઈ રીતે બન્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ડેન્ટિસ્ટ એવા ડો. પ્રશાંતભાઈ શાહનો 15 વર્ષીય પુત્ર દેવ શાહ ન્યૂ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રમત દરમિયાન મેદાનમાં આવેલા વીજળીના પોલને અડકતા જ વીજળીનો કરંટ લાગ્યો હતો. કરંટ એટલો તીવ્ર હતો કે ગંભીર ઈજાઓને કારણે કિશોર સ્થળ પર જ ઢળી પડ્યો હતો. બાદમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ મેદાનમાં વીજ પ્રવાહ કેવી રીતે ચાલુ હતો અને કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પુત્રના આકસ્મિક અવસાનથી શાહ પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સ્વજનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું છે. રમત-ગમતના મેદાન પર સર્જાયેલી આ ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

