Homeગુજરાતીગુજરાતવેપારીનું એકાઉન્ટ અનફ્રિઝ કરવા ટેક્સ અધિકારી અને વેરા નિરીક્ષક લાંચ લેતા પકડાયા

વેપારીનું એકાઉન્ટ અનફ્રિઝ કરવા ટેક્સ અધિકારી અને વેરા નિરીક્ષક લાંચ લેતા પકડાયા

અમદાવાદ, 15 ઓગસ્ટ, 2026 : Tax officer and tax inspector caught accepting a bribe  શહેરમાં એર કોમ્પ્રેસરના વેચાણ અને સર્વિસનો વ્યવસાય કરતા એક વેપારીનું ફ્રિઝ થયેલું એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીના સ્ટેટ ટેક્સ ઓફિસર (STO) તેમજ રાજ્ય વેરા નિરીક્ષક (STI) દ્વારા રૂપિયા 25000ની લાંચ માગવામાં આવી હતી. વેપારી લાંચ આપવા માગતા ન હોય લાંચ રૂશ્વત વિરોધ શાખા (ACB)નો સંપર્ક કર્યો હતો. અને છટકું ગોઠવીને બન્ને અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે. બંને સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે,  ફરિયાદી ‘યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી’ નામે એર કોમ્પ્રેસરના વેચાણ અને સર્વિસનો વ્યવસાય ચલાવે છે. ફરિયાદી વેપારી નિયમિત રીતે પેઢીનું ત્રિમાસિક જીએસટી (GST) રિટર્ન ભરતા હતા. જોકે, નાણાકીય તંગીના કારણે તેઓ એપ્રિલથી જૂન માસનું જીએસટી રિટર્ન સમયસર ફાઇલ કરી શક્યા ન હતા. પરિણામે, સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા તેમની પેઢીનું બચત બેંક ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. બેંક ખાતું બ્લોક થઈ જતાં ફરિયાદી લાલદરવાજા બહુમાળી ભવન સ્થિત સહાયક રાજ્ય વેરા કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાજ્ય વેરા નિરીક્ષક મોહંમદ અઝીઝ કાદરખાન મન્સૂરીને મળ્યા હતા. મોહંમદ અઝીઝે સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશકુમાર ઠાકોર સાથે ચર્ચા કર્યા બાદ બેંક એકાઉન્ટ ફરી ચાલુ કરવા પેટે ₹25,000 લાંચની ખુલ્લેઆમ માગણી કરી હતી. ફરિયાદી આ ભ્રષ્ટ વ્યવહારમાં જોડાવા માંગતા ન હોવાથી તેમણે સીધો અમદાવાદ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

વેપારીની ફરિયાદના આધારે ACBની ટીમે લાલદરવાજા બહુમાળી બિલ્ડિંગ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.  લાલ દરવાજા કચેરી ખાતે જ્યારે ફરિયાદી પાસેથી ₹25,000ની લાંચ સ્વીકારવામાં આવી રહી હતી ત્યારે જ અગાઉથી ગોઠવાયેલી ACBની ટીમે દરોડો પાડી બંને અધિકારીઓને પંચોની હાજરીમાં રંગેહાથ ઝડપી લીધા હતા. ACB એ લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ સામે આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો

Most Popular