ગાંધીનગર, 15 ઓગસ્ટ, 2026 : GMC inspects whether 150 scrap warehouses in Gandhinagar have fire safety systems પાટનગર આસપાસના વિસ્તારમાં 150થી વધુ પસ્તી-ભંગારના ગોડાઉનો આવેલા છે. મોટાભાગના ગોદામોમાં ફાયર સિસ્ટમ ન હોવાની ફરિયાદો ઊઠતા મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પસ્તી-ભંગારના દે ગોદામમાં ફાયર સિસ્ટમ નહીં હોય તો નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) વિસ્તારમાં આવેલા 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા પસ્તી-ભંગારના ગોડાઉનોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં અંદાજે 150થી વધુ પસ્તી-ભંગારના ગોડાઉન આવેલા છે. આવા ગોડાઉનોમાં કાગળ, પ્લાસ્ટિક, કપડાં, પેકિંગ મટિરિયલ સહિત ઝડપથી આગ પકડી લે તેવી સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ લાગવાની સાથે જ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આથી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ગોડાઉનદીઠ સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીની જરૂરી વ્યવસ્થા ન ધરાવતા એકમોના સંચાલકોને નોટિસ આપવામાં આવી રહી છે.
જીએમસીના ફાયર વિભાગ દ્વારા ગોડાઉનમાં આગ સામે રક્ષણ માટે જરૂરી સિસ્ટમ, તેની કાર્યક્ષમતા અને અન્ય સલામતી વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. સરકારના નોટિફિકેશન મુજબ પસ્તી અને ભંગારના ગોડાઉનોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા કરવી ફરજિયાત છે. ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના અગાઉ અનેક બનાવ બન્યા હતા. આવા ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થો સંગ્રહ કરેલા હોવાથી આગની શક્યતા વધી જાય છે અને આસપાસના રહેણાંક વિસ્તારો માટે જોખમ ઉભું થાય છે. આવા બનાવોને ધ્યાનમાં રાખીને આગના કિસ્સામાં ત્વરીત કામગીરી થઇ શકે તે માટે ફાયર સેફ્ટી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે.

