સુરત, 15 ઓગસ્ટ, 2026 : Mosquito-borne and water-borne disease outbreaks surge શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં વરસાદી માહોલને કારણે ડેંગ્યુ, મેલેરિયા, ઝાડા-ઊલટી અને વાયરલ ફીવરના કેસ વધતા નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓપીડી (OPD) માં રોજના 800 થી 900 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દર્દીઓના સતત વધતા પ્રવાહને પહોંચી વળવા પ્રશાસને તાત્કાલિક ધોરણે કિડની અને સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે વધારાના વોર્ડ ઊભા કરીને સારવારની વ્યવસ્થા કરી છે.
શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરની માત્ર સરકારી જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલના મેડિસિન વિભાગના સહ-પ્રાધ્યાપક ડૉ. અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા દાખલ દર્દીઓ માટે વિશેષ ક્ષમતા વધારવામાં આવી છે. હાલના નિયમિત વોર્ડ ઉપરાંત કિડની અને સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે ફક્ત મેડિસિન વિભાગ માટે જ રોજના 150 થી 200 જેટલા વધારાના દર્દીઓને સમાવી શકાય તેવી નવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવી છે. તબીબી સૂચના મુજબ લોકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવા જણાવાયું છે.

