નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલસ્કરી દળો અને અસમ રાઇફલ્સના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સીબીઆઈ, એનઆઈએ અને એનએસજી સહિતની પાંચ મુખ્ય કેન્દ્રીય એજન્સીઓમાં પ્રતિનિયુક્તિની અવધિ વધારી દીધી છે. હવે આ એજન્સીઓમાં પ્રતિનિયુક્તિ પર આવતા કર્મચારીઓ 5 વર્ષની જગ્યાએ 7 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી શકશે. આ પાંચ એજન્સીઓમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પોલીસ-2 વિભાગના કોર્પોરેટ-પોલિસી સેક્શન દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, અગાઉ એનએસજી દ્વારા ગૃહ મંત્રાલયને અપીલ કરવામાં આવી હતી કે કેન્દ્રીય એજન્સીઓમાં પ્રતિનિયુક્તિનો સમયગાળો 5 થી વધારીને 7 વર્ષ કરવામાં આવે. ત્યારબાદ ગત મે મહિનામાં સીબીઆઈએ પણ સમાન રજૂઆત કરી હતી. સીપીએફ અને અસમ રાઇફલ્સ સાથેની બેઠકોમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે મુદત વધારવાથી એજન્સીઓમાં કર્મચારીઓનું સંસ્થાકીય જ્ઞાન જાળવી રાખવામાં અને કામગીરી વધુ મજબૂત બનાવવામાં મોટી મદદ મળશે.
આ તમામ બાબતો અને સકારાત્મક ફીડબેકને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે 22 નવેમ્બર 2016ના અગાઉના દિશા-નિર્દેશોમાં સત્તાવાર સંશોધન કર્યું છે. નવા નિયમ મુજબ હવે સીપીએફ અને અસમ રાઇફલ્સના જવાનો/કર્મચારીઓની પ્રારંભિક નિમણૂક જ સીધી 7 વર્ષની મુદત માટે આ પાંચેય કેન્દ્રીય એજન્સીઓમાં કરવામાં આવશે. પેરાગ્રાફ 3(બી)(2) હેઠળ પ્રતિનિયુક્તિની મુદતના નિયમોમાં ફેરફાર કરીને તેને તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવ્યા છે.

