Homeગુજરાતીગુજરાતસુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાખોની છેતરપિંડી કેસનો આરોપી દોઢ વર્ષ બાદ પકડાયો

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાખોની છેતરપિંડી કેસનો આરોપી દોઢ વર્ષ બાદ પકડાયો

સુરત, 14 ઓગસ્ટ, 2026 : Accused in fraud case arrested  શહેરના ટેક્સટાઈલ માર્કેટના પીડિત વેપારીઓએ  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરાયા બાદ પોલીસે લાખોની છેતરપિંડીના આરોપીની દોઢ વર્ષ બાદ ધરપકડ કરી છે. શહેરના કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની આર્થિક છેતરપિંડી આચરી દોઢ વર્ષથી કાયદાની પકડથી ભાગતા-ફરતા ‘ઝાઈદ ટેક્સટાઈલ્સ’ના માલિક મોહમદ ઝાકીરીયા સામે પીડિત વેપારીઓએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ સુરત ક્રાઈમ બ્રાન્ચને ત્વરિત અને કડક કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પરિણામે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી વેપારીઓનો જટિલ પ્રશ્ન ક્ષણભરમાં ઉકેલી આપ્યો છે.

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ સામે રાજ્ય સરકાર અને સુરત પોલીસ અત્યંત કડક વલણ અપનાવી રહી છે. નાણાં હડપ કરી જતાં લેભાગુ તત્વો સામે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની ઝીરો ટોલરન્સ નીતિને પગલે વેપારીઓના પરસેવાની કમાણી લૂંટનારાઓ સામે કાર્યવાહી વધુ ઝડપી બની છે. આવા જ એક કિસ્સામાં કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની નાણાકીય છેતરપિંડી આચરનાર ‘ઝાઈદ ટેક્સટાઈલ્સ’ના મોહમદ ઝાકીરીયા ગુલામ મોહમદ કાપડીયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.

બમરોલી સ્થિત હરિઓમ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી-૨ માં ગ્રે યાર્નનો વ્યવસાય કરતા મનીષકુમાર બાબુલાલ પટેલ (જય અંબિકા ટેક્સટાઈલ્સ), જય પટેલ (દેવ ટેક્સ) અને રોહિતભાઈ પટેલ (જય સધીમા ટેક્સટાઈલ્સ) સાથે આરોપી મોહમદ ઝાકીરીયાએ વર્ષ ૨૦૧૭થી વેપાર શરૂ કર્યો હતો. પ્રારંભમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ, વિશ્વાસઘાત કરીને ઉધારમાં ગ્રે-કાપડનો મોટો માલ મેળવી લીધો હતો. આરોપીએ મનીષકુમાર પટેલ સાથે રૂ.૧૩ લાખ, જય પટેલ સાથે રૂ.૩.૮૦ લાખ અને રોહિતભાઈ પટેલ સાથે રૂ.૬.૪૬ લાખ મળી કુલ રૂ.૨૩.૫૦ લાખનું ગ્રે યાર્ન ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર આપેલા ચેક બેંકમાંથી બાઉન્સ થયા હતા. હકના નાણાં માગવા જતાં વેપારીઓને ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ મામલે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આરોપી પોતાની દુકાનનું સરનામું બદલી કાયદાના સકંજાથી બચવા નાસતો ફરતો હતો અને કોર્ટ કાર્યવાહીમાં ગેરહાજર રહેતો હતો.

નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના મળતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી (DCP)  બી.પી.રોજીયા અને તેમની ટીમે તપાસ તેજ બનાવીને માત્ર ૭ દિવસના ટૂંકા સમયગાળામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહમદ ઝાકીરીયાને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરી જેલહવાલે કર્યો હતો.

સંબંધિત લેખો

Most Popular