Homeગુજરાતીગુજરાતગુજરાતમાં હવે સ્માર્ટ મીટર ફરજિયાત બનાવાતા 1.20 કરોડ ઘરોમાં લગાવાશે

ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર ફરજિયાત બનાવાતા 1.20 કરોડ ઘરોમાં લગાવાશે

અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026 : Smart meters now mandatory in Gujarat ગુજરાત સરકાર હસ્તકની ચાર વીજ કંપનીઓ દ્વારા વીજળીના સ્માર્ટ મીટર લગાવવા સામે વીજ ગ્રાહકોમાં ભારે વિરોધ થતાં સરકારે પીછેહઠ કરી હતી. પણ હવે કેન્દ્ર સરકારના કડક આદેશ અને નવા સુધારા નિયમો હેઠળ હવે ગુજરાતમાં પણ વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત બન્યા છે. લોકોનો રાજીપો હોય કે ના હોય પણ વીજળીના સ્માર્ટ મીટર તો લગાવાશે જ, ઊર્જા મંત્રાલયના આ આદેશથી ગુજરાતના લાખો વીજ ગ્રાહકોની પાવર યુસેજ પદ્ધતિ બદલાવા જઈ રહી છે, જેમાં પ્રી-પેઇડ અને પોસ્ટ-પેઇડ સુવિધાની સાથે ખાસ ‘ટાઇમ ઓફ ડે’ રિબેટનો લાભ પણ મળશે. રાજ્યમાં હાલ અંદાજે ૧.૭૯ કરોડ વીજ ગ્રાહકો નોંધાયેલા છે, જેમાંથી પ્રથમ અને દ્વિતીય તબક્કામાં અંદાજે 1.20 કરોડ વીજ ગ્રાહકોને આગામી સમયમાં તબક્કાવાર સ્માર્ટ મીટર યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

 ભારત સરકારના વિદ્યુત મંત્રાલય અને કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ (CEA) ના નિર્દેશો બાદ દેશભરમાં આધુનિક ઊર્જા વ્યવસ્થાપનને વેગ આપવા તમામ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ફરજિયાત કરવામાં આવી છે. આ ક્રમમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પોતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આશરે 15 લાખ જેટલા સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવ્યા છે, જ્યારે હાલમાં દરરોજ અંદાજે 3,000 થી 4,000 નવા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે. જ્યારે પશ્વિમ ગુજરાત વીજ કંપની દ્વારા પણ સ્માર્ટ વીજ મીટરો લગાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરથી વધુ વીજબિલો આવતા હોવાની દહેશત છે. જ્યારે વીજ કંપનીઓ સ્માર્ટ મીટરથી ગ્રાહકોને થતાં ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે. કે આધુનિક સિસ્ટમથી ગ્રાહકોને રીયલ-ટાઇમ મોનિટરિંગ, ઓનલાઈન રિચાર્જ અને ચોક્કસ બિલિંગ જેવી સુવિધાઓ મળે છે.  વીજ ગ્રાહકોને વીજ વપરાશના યોગ્ય સમયગાળા માટે પ્રોત્સાહિત કરવા સવારે 11 થી સાંજે 5 વાગ્યા વચ્ચે વીજળી વાપરવા પર પ્રતિ યુનિટ 60 પૈસા સુધીનું રિબેટ આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં એપ્રિલ 2026થી અત્યાર સુધીમાં 11.65 લાખ ગ્રાહકોએ આ યોજનાનો લાભ લીધો છે, તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર સ્થાપનની આ કામગીરીમાં સહકાર આપવા અને પોતાની દૈનિક વીજ જરૂરિયાતોનું આયોજન કરી આર્થિક તથા તકનીકી લાભ મેળવવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત લેખો

Most Popular