નવી દિલ્હી, 01 ઓક્ટોબર 2026: મિલવોકીમાં યોજાયેલી G20 વેપાર મંત્રીઓની બેઠક દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર કરાર સુધી પહોંચવા માટે ભારત અને અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો એક ભાગ છે.
અમેરિકાની મુલાકાત અગાઉ, વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગોયલ દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટોને આગળ વધારવા માટે ગ્રીર સાથે ચર્ચા કરશે. આ બંને નેતાઓ વચ્ચેની બેઠક ગઈકાલે યોજાઈ હતી; આ જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
સોમવારે એક નિવેદનમાં વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા વચ્ચે સંતુલિત અને પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ને આગળ વધારવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે અને 7 ફેબ્રુઆરી, 2026ના સંયુક્ત નિવેદન અનુસાર વચગાળાના કરારને આખરી ઓપ આપવા માટે, ગોયલ તેમના અમેરિકન સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેના માળખાને આખરી ઓપ આપવાની જાહેરાત કરી હતી. જોકે, અમેરિકામાં ટેરિફ (આયાત જકાત) સંબંધિત સ્થિતિમાં આવેલા ફેરફારોને કારણે આ કરાર અંગેની આગળની વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.
વધુ વાંચો: નૌકાયનમાં ભારતે જીત્યો પ્રથમ મેડલ, એશિયન ગેમ્સની કુલ સંખ્યા 62 થઈ


