શું તમને પણ વારંવાર ચક્કર આવે છે? તેને સામાન્ય ગણીને અવગણશો નહીં, હોઈ શકે છે આ મહત્વપૂર્ણ પોષક તત્વની ઉણપ
આજકાલની દોડધામભરી જિંદગીમાં ઘણા લોકો વારંવાર ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. કેટલીકવાર અચાનક ઊભા થવાને કારણે, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) અથવા અતિશય થાક જેવા સામાન્ય કારણોસર ચક્કર આવી શકે છે. પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય, તો તેને સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. તે શરીરમાં કોઈ ગંભીર બીમારી અથવા કોઈ મહત્વપૂર્ણ પોષક તત્વની ઉણપનો સંકેત હોઈ શકે છે.
- વારંવાર ચક્કર આવવા એ ‘આયર્ન’ (લોહતત્વ) ની ઉણપ હોઈ શકે છે
અમેરિકાની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ’ ના ઓફિસ ઓફ ડાયેટરી સપ્લીમેન્ટ્સ અનુસાર, વારંવાર ચક્કર આવવા એ શરીરમાં આયર્નની ઉણપ (એનિમિયા) નું લક્ષણ હોઈ શકે છે. શરીરમાં આયર્નનું પ્રમાણ ઘટવાથી પૂરતી માત્રામાં હિમોગ્લોબિન બનતું નથી, જેના કારણે શરીરના વિવિધ અંગો અને મગજ સુધી ઓક્સિજન પહોંચવાની ક્ષમતા ઘટી જાય છે. આ કારણે ચક્કર આવવા, નબળાઈ, થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ત્વચા પીળી પડી જવી જેવા લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો, કિશોરીઓ અને નિયમિત બ્લડ ડોનેટ કરતા લોકોમાં આયર્નની ઉણપનું જોખમ વધુ હોય છે.
-
આયર્નની ઉણપ દૂર કરવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ
લીલા શાકભાજી: પાલક, મેથી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી.
કઠોળ અને અનાજ: દાળ, રાજમા, ચણા, સોયાબીન અને ફોર્ટિફાઇડ અનાજ.
અન્ય સ્ત્રોત: ગોળ, તલ, પમ્પકિન સીડ્સ (કોળાના બીજ) અને કાળી દ્રાક્ષ (કિશમિશ).
ઝડપી શોષણ માટે: આયર્નયુક્ત ખોરાકની સાથે વિટામિન-સી થી ભરપૂર વસ્તુઓ જેમ કે નારંગી, આમળા, જામફળ અથવા લીંબુનો ઉપયોગ કરો, જેથી શરીરમાં આયર્નનું એબ્સોર્પ્શન (શોષણ) ઝડપથી થાય.
- આયર્ન સપ્લીમેન્ટ્સ લેતી વખતે રાખવાની સાવચેતીઓ
ડોક્ટરની સલાહ વિના ક્યારેય પણ આયર્નની ગોળીઓ (સપ્લીમેન્ટ્સ) લેવી જોઈએ નહીં, કારણ કે નિયત માત્રા કરતાં વધુ આયર્ન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આયર્ન સપ્લીમેન્ટ્સ લેવાથી કેટલાક લોકોને કબજિયાત અથવા ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે. ખાસ યાદ રાખવું કે આયર્નની ગોળીઓ ક્યારેય ચા, કોફી અથવા કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ સાથે ન લેવી, કારણ કે તેનાથી આયર્નનું શોષણ અવરોધાય છે. વારંવાર ચક્કર આવતા હોય તો ડોક્ટર પાસે જઈ યોગ્ય તપાસ કરાવી સારવાર લેવી જ હિતાવહ છે.


