GCCI દ્વારા ‘વાઇબ્રન્ટ પેસ’ની શરૂઆત, CSR ભાગીદારોને જોડતી વર્ષભરની અનોખી પહેલ
અમદાવાદ, 16 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની CSR કમિટી દ્વારા **’વાઇબ્રન્ટ પેસ 1.0 – પ્લેટફોર્મ ફોર એલાઇનીંગ CSR એક્સલન્સ’**નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કોર્પોરેટ્સ, એનજીઓ, ટ્રસ્ટો, આરોગ્ય સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવા માટે વર્ષભરની CSR પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે શ્રી સંદીપ એન્જિનિયર, પ્રમુખ, GCCI, એ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ પેસને એક સુવ્યવસ્થિત પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે વિશ્વસનીય CSR પ્રોજેક્ટ્સનો ડેટાબેઝ તૈયાર કરશે તેમજ કોર્પોરેટ્સ અને અમલીકરણ કરતી સંસ્થાઓ વચ્ચે અર્થપૂર્ણ ભાગીદારીને પ્રોત્સાહન આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પહેલ ચાર વિષયકેન્દ્રિત આવૃત્તિઓ દ્વારા આગળ વધશે અને તેનું સમાપન જૂન ૨૦૨૭માં યોજાનાર વાઇબ્રન્ટ પેસ ગ્રાન્ડ ફિનાલે સાથે થશે, જેમાં CSR નેટવર્કિંગ, પ્રોજેક્ટ મેચમેકિંગ અને CSR એક્સલન્સ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ
આ પ્રસંગે શ્રી અપૂર્વ ઠાકરશી, ચેરમેન, CSR કમિટી, GCCIએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં ‘વાઇબ્રન્ટ પેસ’ વર્ષભરની પહેલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ પહેલના ઉદ્દેશો સમજાવતા જણાવ્યું કે, આ પ્લેટફોર્મ કોર્પોરેટ્સ અને વિશ્વસનીય એનજીઓ તથા અમલીકરણ કરતી સંસ્થાઓ વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવા માટે રચાયું છે. તેમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ સમાજના સર્વાંગી અને ટકાઉ વિકાસમાં CSR પ્રવૃત્તિઓના સકારાત્મક પ્રભાવ અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.

વાઇબ્રન્ટ પેસ 1.0માં હેલ્થકેર અને મેડિકલ CSR પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય સેવા, પ્રિવેન્ટિવ હેલ્થકેર, સ્વચ્છતા, સુરક્ષિત પીવાનું પાણી, ભૂખમરો, ગરીબી અને કુપોષણનું નિવારણ, મહિલા સશક્તિકરણ તથા ગ્રામ વિકાસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ૨૨ એનજીઓ અને ટ્રસ્ટોએ પોતાના અસરકારક CSR પ્રોજેક્ટ્સ અને અમલીકરણ ક્ષમતાનું પ્રસ્તુતિકરણ કોર્પોરેટ CSR પ્રતિનિધિઓ સમક્ષ કર્યું, જેના દ્વારા ભાવિ સહયોગ અને ભાગીદારીની નવી તકો ઉભી થઈ.
આ પણ વાંચોઃ ગીરના જંગલ નજીક ગેરકાયદે રિસોર્ટ અને હોટલો તોડી પડાશે, નવો એક્શન પ્લાન તૈયાર
શ્રી વિજય મૂલાણી, કંપની સેક્રેટરી, વાઘબકરી ગ્રુપ દ્વારા યોજાયેલા ટેકનિકલ સત્રમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સોશિયલ સ્ટોક એક્સચેન્જના હેતુઓ, નોંધણી માટેની પાત્રતા, ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ZCZP) ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સેબી દ્વારા નિર્ધારિત સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેનું કોમ્પ્લાયન્સ કેલેન્ડર, તેમજ એનજીઓ અને અમલીકરણ કરતી સંસ્થાઓએ પારદર્શિતા અને સોશિયલ કેપિટલ સુધી પહોંચ મજબૂત બનાવવા માટે અનુસરવા યોગ્ય કાયદાકીય તથા ગવર્નન્સ સંબંધિત પાલન અંગે વિગતવાર માહિતી આપી.
ત્યારબાદ યુપીએલ ગ્રુપના CSR હેડ શ્રી સ્વદેશ સક્સેનાએ CSR ક્ષેત્રમાં પોતાના સમૃદ્ધ અનુભવ અને મૂલ્યવાન વિચારો રજૂ કર્યા. તેમણે વ્યૂહાત્મક CSR આયોજન, માપી શકાય તેવી સામાજિક અસર સર્જવા, ટકાઉ ભાગીદારી વિકસાવવા અને અસરકારક CSR અમલીકરણ માટે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અપનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.
બંને ટેકનિકલ સત્રો બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ CSR અમલીકરણ, કાયદાકીય પાલન અને સહયોગની સંભાવનાઓ અંગે વક્તાઓ સાથે સક્રિય ચર્ચા કરી.
કાર્યક્રમના અંતે શ્રી અલ્પેશ પરીખ, કો-ચેરમેન, GCCI CSR કમિટી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, બંને વક્તાઓ, ભાગ લેનાર એનજીઓ, ટ્રસ્ટો, કોર્પોરેટ પ્રતિનિધિઓ તથા તમામ સહભાગીઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.


