ત્રીજી ભાષા ભણાવવી હોય તો છઠ્ઠા ધોરણથી શરૂ કરોઃ સુપ્રીમ કોર્ટની સલાહ
નવી દિલ્હી, 16 જુલાઈ, 2026: Three-language policy ત્રીજી ભાષા ભણાવવી હોય તો છઠ્ઠા ધોરણથી શરૂ કરો એવી સલાહ સુપ્રીમ કોર્ટે સરકારને આપી છે. સીબીએસઈ(CBSE)ની થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રણ ભાષાની નીતિ) અંગે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ 9 મા ધોરણમાં ત્રીજી ભાષાનો સમાવેશ કરવા સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આનાથી બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પર વધારાનો તણાવ વધે છે. આ ટિપ્પણી તેમણે તમિલનાડુ સરકારની એ અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી, જેમાં મદ્રાસ હાઈકોર્ટના એક આદેશને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાજ્યના દરેક જિલ્લામાં ‘જવાહર નવોદય વિદ્યાલય’ (JNV) ખોલવામાં મદદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
તમિલનાડુ સરકાર કરી રહી છે વિરોધ
તમિલનાડુ સરકાર તરફથી સતત થ્રી લેંગ્વેજ પોલિસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે નવોદય શાળાઓનો પણ અહીં વિરોધ થઈ રહ્યો છે, કારણ કે આ શાળાઓમાં ત્રણ ભાષાઓવાળી નીતિ લાગુ થાય છે. આ સમગ્ર મામલામાં સીધેસીધો થ્રી લેંગ્વેજ પોલિસીનો કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ તેમ છતાં જસ્ટિસ નાગરત્નાએ આ બાબત પર કડક ટિપ્પણીઓ કરતા જણાવ્યું કે ત્રીજી ભાષા ક્યારથી શીખવવી જોઈએ.
સીબીએસઈની આ ત્રણ-ભાષા નીતિને એક અલગ જાહેર હિતની અરજી (PIL) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સીજેઆઈ (CJI) સૂર્યકાંતની બેન્ચ આ મામલા પર સુનાવણી કરી રહી છે. બેન્ચે હાલ પૂરતો સીબીએસઈની આ નીતિ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે અને આ મામલાની સુનાવણી આગામી અઠવાડિયે નક્કી કરી છે.
હિન્દીને ફરજિયાત નથી બનાવતી થ્રી લેંગ્વેજ પોલિસી
તમિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે રાજ્યને વાંધો માત્ર આ ત્રણ-ભાષા નીતિને લઈને છે. આના પર જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે આ નીતિ ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત બનાવતી નથી. તેમણે કહ્યું, “આમાં રાજ્યની ભાષા ભણાવવી જોઈએ, અંગ્રેજી ભણાવવી જોઈએ અને કોઈ પણ ત્રીજી ભાષા હોઈ શકે છે. આમાં એવું ક્યાંય લખ્યું નથી કે તે ભાષા હિન્દી જ હોય.”
જવાબ આપનાર પક્ષ (NGO અરજીકર્તા) ના વકીલ જી. પ્રિયદર્શિનીએ કોર્ટને જણાવ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રાજ્ય પર કોઈ ભાષા જબરદસ્તીથી થોપવામાં આવશે નહીં. આના પર જસ્ટિસ નાગરત્નાએ રાજ્ય સરકારને પૂછ્યું, “તમારે હિન્દી નથી જોઈતી, પરંતુ જો તે સંસ્કૃત હોય, તો શું વાંધો છે?”
છઠ્ઠા ધોરણથી જ શરૂ થવી જોઈએ ત્રીજી ભાષા
સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુના વકીલે કહ્યું કે ત્રીજી ભાષાને 9 મા ધોરણથી જ લાગુ કરવામાં આવી રહી છે. આના પર જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, “ના, આ તો બહુ ખોટું છે. નવમું ધોરણ એમ પણ તણાવથી ભરેલું હોય છે. તમે 9મામાં નવી ભાષા કેમ લાવી રહ્યા છો? આને છઠ્ઠા ધોરણથી જ શરૂ કરી દેવી જોઈએ.” આ દરમિયાન પોતાના શાળાના દિવસોને યાદ કરતા જજે કહ્યું કે તેમની શાળામાં વિદ્યાર્થીઓને ઘણા પ્રકારના અભ્યાસક્રમ ભણાવવામાં આવતા હતા અને મિડલ સ્કૂલ (છઠ્ઠાથી આઠમા ધોરણ) દરમિયાન જ ત્રીજી ભાષા શીખવવાની શરૂઆત કરી દેવામાં આવતી હતી.
ત્રીજી ભાષાને લઈને તેમણે આગળ કહ્યું, “મિડલ સ્કૂલમાં ત્રીજી ભાષા એટલા માટે શરૂ કરવામાં આવતી હતી, કારણ કે એસએસએલસી (SSLC/10 મા) માટે તેની જરૂરિયાત રહેતી હતી. જે વિદ્યાર્થીઓની બીજી ભાષા હિન્દી હતી, તેમના માટે કન્નડ ત્રીજી ભાષા રહેતી હતી અને આવી જ રીતે બાકીના લોકો માટે પણ હતું. ત્યાં સંસ્કૃતનો પણ વિકલ્પ હતો, તેથી તમે કોઈ પણ ત્રીજી ભાષા પસંદ કરી શકતા હતા. જેટલી વહેલી શરૂઆત થાય, એટલું જ સારું છે.”
કેન્દ્ર સરકારને આપ્યું સૂચન
જસ્ટિસ નાગરત્નાએ કેન્દ્ર સરકારને સૂચન આપતા કહ્યું કે, “કૃપા કરીને 9મા ધોરણમાં ત્રીજી ભાષા ન રાખો. ભલે સીબીએસઈ હોય, આઈસીએસઈ હોય કે સ્ટેટ બોર્ડ હોય, 10મું ધોરણ બોર્ડ પરીક્ષાનું હોય છે. 8 મું પૂરું થતાં જ બાળકો પર દબાણ શરૂ થઈ જાય છે.” જસ્ટિસ નાગરત્નાએ પોતાના સ્કૂલિંગના દિવસોને યાદ કરતા કહ્યું, “તે સમયમાં પણ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારી માટે 8મા ધોરણથી જ 10માના કોન્સેપ્ટ ભણાવવામાં આવતા હતા. જ્યારે અમારા સમયમાં આ પ્રકારની તૈયારી અને દબાણ હતું, તો આજના વિદ્યાર્થીઓની શું હાલત હશે? 9 મામાં નવી ભાષા શરૂ ન કરો. તેને છઠ્ઠાથી શરૂ કરો… હું 1976ના મારા અનુભવ પરથી આ વાત કહી રહી છું.”
તમિલનાડુ સરકારને પણ શિખામણ
જોકે, જસ્ટિસ નાગરત્નાએ તમિલનાડુ સરકારને એવું પણ કહ્યું કે તેઓ માત્ર એટલા માટે કેન્દ્ર સરકારની યોજનાઓને ફગાવી ન દે કે તે સેન્ટર તરફથી આવી છે. તેમણે કહ્યું, “તમારી પોતાની એજ્યુકેશન સિસ્ટમ હોઈ શકે છે, પરંતુ કેન્દ્ર સરકારની શાળાઓ ખૂલતાં ન રોકો. એવું વલણ ન રાખો કે આ કેન્દ્ર સરકારની યોજના છે, તો અમે તેને સ્વીકાર કેમ કરીએ?”


