અમદાવાદ, 16 જુલાઈ, 2026 : Rain fell in 46 talukas by this afternoon on the day of the Rath Yatra રાજ્યમાં આજે અષાઢીબીજને રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના કામરેજમાં બે ઈંચ, સુરતના મંગરોળમાં દોઢ ઈંચ, અને બાકીના તાલુકામાં સવા ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 118 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસાદ પડ્યો હતો.. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક રીતે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી વરસાદ ખેંચાયા બાદ હવે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં એકસાથે ચાર શક્તિશાળી વેધર સિસ્ટમ ‘લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ’ સક્રિય છે. આ ચાર સિસ્ટમના પ્રભાવના કારણે આગામી દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે, આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ અને તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ખાસ સંભાવના દર્શાવી છે.
વેરાવળ-સોમનાથમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે શહેરની અનેક શેરીઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને નોંધપાત્ર ફાયદો થશે. જ્યારે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડીરાત્રે એકાએક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને સૂકાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે.


