નવી દિલ્હી, 18 જુલાઈ 2026: રાજધાની દિલ્હીના હૃદય સમાન જંતર-મંતર પ્રદર્શન સ્થળ પર શનિવારે એકાએક ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં ચાલી રહેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજ્ઞાત મહિલાએ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર કાળી સહી ફેંકી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના એ સમયે ઘટી જ્યારે અભિજીત દીપકે મંચ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા. સભા દરમિયાન જ એક મહિલા અચાનક સુરક્ષા ઘેરો તોડીને મંચની એકદમ નજીક પહોંચી ગઈ હતી અને પોતાના હાથમાં રાખેલી સહી તેમના પર છાંટી દીધી હતી.
આ અણધારી ઘટનાને કારણે કાર્યક્રમમાં હાજર સમર્થકો અને કાર્યકરોમાં ભારે હોબાળો મચી ગયો હતો. જોકે, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ અને અન્ય લોકોએ તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને મહિલાને ઝડપી લીધી હતી. આ ઘટનાને કારણે પ્રદર્શનની કામગીરી થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી અને આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થયો છે. જોકે મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ તરફ, લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની તબિયત અચાનક લથડતાં તેમને શનિવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને જંતર-મંતરથી હોસ્પિટલ ખસેડતી વખતે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હળવી ઝપાઝપી અને અફરાતફરી સર્જાઈ હતી, કારણ કે કેટલાક સમર્થકો તેમને હોસ્પિટલ લઈ જતાં રોકી રહ્યા હતા. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે જંતર-મંતર અને સફદરજંગ હોસ્પિટલની આસપાસ દિલ્હી પોલીસ સહિત અર્ધસૈનિક દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
દરમિયાન, સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ ડી. અંગમોએ સફદરજંગ હોસ્પિટલ પ્રશાસનને એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમના પતિને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે હોસ્પિટલ તંત્ર વાંગચુકના મેડિકલ રિપોર્ટની નકલ પરિવારને આપવાનો ઇનકાર કરી રહ્યું છે અને તેમની દેખરેખ રાખતા અંગત ડોક્ટરોને પણ મળવા દેવામાં આવતા નથી. વાંગચુકનું પોટેશિયમ લેવલ4.3 થી ઘટીને 2.9 થઈ ગયું હોવાથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે.


