અમદાવાદ, 21 ઓક્ટોબર, 2026 : Two killed in two accidents in Peepalj and Saijpur Bogha શહેરના પીપળજ અને સૈજપુર બોઘા વિસ્તારમાં જુદા જુદા અકસ્માતના બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. શહેરના સૈજપુરમાં ભગવતી દૂધ ઘર પાસે 54 વર્ષીય અરવિંદભાઈ પરમાર ચાલતા જતા હતા ત્યારે છોટાહાથી ટેમ્પાએ પાછળથી ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અરવિંદભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં પીપળજથી મોતીપુરા ચાર રસ્તા તરફ જતા બાઈકને ટેમ્પાએ ટક્કર મારતા દીપુકૂમાર ચૌહાણ નામના બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અરવિંદભાઈ પરમાર સાંજે ભગવતી દૂધઘર પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવેલા છોટાહાથી ટેમ્પાના ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટેમ્પા ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના નારોલમાં કાપડનું કામ કરતા 33 વર્ષીય દિપુકુમાર ચૌહાણ 19 ઓક્ટોબરે બપોરે મિત્ર ગૌતમસિંગ રાજપૂત સાથે બાઈક પર પીપળજ તરફથી મોતીપુરા ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. નાકોડા કંપની પાસે પહોંચતા જ સામેથી પૂરફાટ ઝડપે આવેલા ટેમ્પોએ બાઈકને ટક્કર મારી હતી. જેમાં ટેમ્પોનું ટાયર ફરી વળતા દિપુકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા ગૌતમસિંગને માથા અને પગમાં ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેમ્પોચાલક સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


