સુરત, 21 ઓક્ટોબર, 2026 : Fire brigade rescues child after child’s head gets stuck in pan શહેરના અડાજણ કોઝવે રોડ વિસ્તારમાં આવેલા ઉનાવાલા રબારી કોમ્પલેક્ષમાં રહેતા પરિવારના અઢી વર્ષના માસૂમ બાળકે રમતા રમતા તપેલી પોતાના માથામાં ભરાવી દીધી હતી. જોકે, વાસણનું મોઢું સાંકડું હોવાને કારણે માથું અંદર ગળા સુધી ફસાઈ ગયું હતું અને બાળક તેને બહાર કાઢી શક્યું નહોતુ. પરિવારજનોએ તપેલીમાં ફસાયેલું બાળકનું માથુ બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. પણ સફળતા ન મળતા બાળકને ત્વરિત નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટમાં પણ તબીબો અને નર્સ દ્વારા ભારે મથામણ છતાં તપેલી ન નીકળતા આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે બાળકને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને કટરથી તપેલી કાપીને બાળકનું માથું બહાર કાઢીને તેને બચાવી લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના અડાજણ કોઝવે રોડ વિસ્તારમાં આવેલા ઉનાવાલા રબારી કોમ્પલેક્ષમાં રહેતા એક પરિવારના માત્ર અઢી વર્ષના બાળકનું રમતા-રમતા તેનું માથુ તપેલીમાં ફસાઈ ગયું હતું તપેલીમાંથી માથુ ન નિકળતા બાળક જોરજોરથી રડવા લાગ્યો હતો, જેને જોઈને સમગ્ર પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક સાવચેતીપૂર્વક તપેલી ખેંચીને બહાર કાઢવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તપેલીની ધાર બાળકની નાજુક ત્વચાને ઈજા પહોંચાડે તેવી સ્થિતિ હોવાથી પરિવારે વધુ જોખમ ન લેવાનું નક્કી કર્યું હતું. બાળકની પીડા અને આક્રંદ વધતાં પરિવારજનો બાળકને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબો અને નર્સિંગ સ્ટાફે બાળકના માથામાંથી તપેલી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારે જહેમત હાથ ધરી હતી. તબીબોએ વિવિધ યુક્તિઓ અજમાવી વાસણ સરકાવીને બહાર કાઢવાનો લાંબો સમય પ્રયત્ન કર્યો, છતાં વાસણ માથામાં મજબૂતીથી જકડાઈ ગયેલું હોવાથી સફળતા મળી શકી નહોતી. આખરે હોસ્પિટલમાં પણ કોઈ રસ્તો ન નીકળતાં પરિવાર ભારે ચિંતા અને નિરાશા સાથે બાળકને લઈને ફરી ઘરે પરત ફર્યો હતો. મોડી રાતથી શરૂ થયેલી આ કટોકટીમાં સતત 4 કલાક સુધી માસૂમ બાળકનું માથું તપેલીમાં ફસાયેલું રહ્યું હતું અને બાળકની હાલત કફોડી બની ગઈ હતી. છેવટે પરિવારજનોએ કોઈ અન્ય ઉપાય ન જણાતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી મદદની પોકાર કરી હતી. કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમ વિશેષ રેસ્ક્યૂ સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયરના જવાનોએ સ્થિતિની ગંભીરતા પારખીને બાળકને સહેજ પણ ઉઝરડો ન પડે તે માટે અત્યંત સાવધાનીપૂર્વક કટર મશીનનો ઉપયોગ કર્યો હતો. ફાયર ટીમે આશરે 15થી 20 મિનિટ સુધી ઝીણવટભરી કામગીરી કરીને તપેલીને કાપી નાખી હતી અને બાળકને હેમખેમ બહાર કાઢી લીધો હતો. ચાર કલાકની અગ્નિપરીક્ષા બાદ બાળક સુરક્ષિત મુક્ત થતાં પરિવારજનો સહિત ઉપસ્થિત તમામે રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.


