ઇસ્લામાબાદ, 18 જુલાઈ 2026: પાકિસ્તાનના કરાચીમાં આવેલી એક સરકારી હોસ્પિટલમાં ચેપ નિયંત્રણ અને તબીબી કચરાના વ્યવસ્થાપનમાં ગંભીર ક્ષતિઓને કારણે HIVનો ફેલાવો થયો છે, જેના પરિણામે 78 બાળકો સંક્રમિત થયા છે.
કરાચીના SITE વિસ્તારમાં સિંધ એમ્પ્લોઈઝ સોશિયલ સિક્યુરિટી ઈન્સ્ટિટ્યૂશન દ્વારા સંચાલિત વાલિકા હોસ્પિટલની તપાસમાં જાણવા મળ્યું કે સિરીંજમાંથી સોય હાથથી કાઢવામાં આવતી હતી, જંતુમુક્ત કરવાની વ્યવસ્થા અપૂરતી હતી અને બિન-તાલીમબદ્ધ કર્મચારીઓ દૂષિત કચરાનો નિકાલ કરી રહ્યા હતા.
સિંધ હેલ્થકેર કમિશને સરકારી હોસ્પિટલનું નિયમનકારી નિરીક્ષણ કર્યું અને તેમાં જાણવા મળ્યું કે વપરાયેલી સોયને ‘શાર્પ્સ બિન’ (ધારદાર કચરા માટેના પાત્ર)માં નાખવામાં આવતી ન હતી. હોસ્પિટલના કર્મચારીઓ એ સમજાવી શક્યા નહીં કે કાઢવામાં આવેલી સોય ક્યાં જતી હતી અથવા તેનો નિકાલ કેવી રીતે કરવામાં આવતો હતો.
મેડિકલ વેસ્ટ મેનેઝમેન્ટની પદ્ધતિઓ અંગે ગંભીર પ્રશ્નો
હેલ્થકેર કમિશને જણાવ્યું હતું કે, “આનાથી હોસ્પિટલની તબીબી કચરાના વ્યવસ્થાપનની પદ્ધતિઓ અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ હતી, કારણ કે વપરાયેલી સોય ક્યાં જતી હતી અથવા તેનો નિકાલ કેવી રીતે કરવામાં આવતો હતો તે અસ્પષ્ટ હતું.”
78 બાળકો HIVથી સંક્રમિત
હોસ્પિટલમાં HIVનો મોટો ફેલાવો થયા બાદ આ માહિતી સામે આવી હતી; આ ઘટનામાં 78 બાળકો સંક્રમિત થયા હતા અને આસપાસના વિસ્તારમાં રહેતા 10,500થી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, વધુ 120 લોકોના HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે છ લોકોના મૃત્યુની નોંધ લેવામાં આવી છે.
રોગચાળાના ફેલાવા અંગેની એક સ્વતંત્ર તપાસમાં ચેપ નિયંત્રણના પગલાંમાં વ્યાપક ક્ષતિઓ જોવા મળી હતી, જેમાં એક જ વાર વાપરવાની (સિંગલ-યુઝ) સિરીંજનો જોખમી રીતે પુનઃઉપયોગ પણ સામેલ છે. આ તારણોએ સિંધની એક સરકારી હોસ્પિટલમાં તબીબી પ્રક્રિયાઓની સુરક્ષા અને ચેપી કચરાના વ્યવસ્થાપન અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.
37 અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સ્વતંત્ર તપાસ બાદ, સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે વહીવટકર્તાઓ, પ્રયોગશાળાના કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ સહિત 37 અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.
વધુ વાંચો: રાજસ્થાનમાં સર્જરી દરમિયાન મહિલાના પેટમાં કાપડું રહી ગયું

