1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે NDRF-SDRF એલર્ટ પર, સુરતમાં 255 લોકોના જીવ બચાવ્યા
ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે NDRF-SDRF એલર્ટ પર, સુરતમાં 255 લોકોના જીવ બચાવ્યા

ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે NDRF-SDRF એલર્ટ પર, સુરતમાં 255 લોકોના જીવ બચાવ્યા

0
Social Share

અમદાવાદ, 8 જુલાઈ 2026: ગુજરાતમાં ચોમાસાની ભારે સક્રિયતાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. ચોમાસાની આ આફત વચ્ચે NDRFની 06 બટાલિયન સતત એલર્ટ મોડ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદથી ઊભી થયેલી કટોકટીને પહોંચી વળવા માટે સુરક્ષા દળોનો મોટો કાફલો મેદાને ઉતારવામાં આવ્યો છે. રાજ્યભરમાં હાલ SDRFની કુલ 27 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.  જેમાં  સુરત અને અમરેલીમાં 2-2 ટીમો તથા બનાસકાંઠા, રાજકોટ, દ્વારકા, કચ્છ, વલસાડ, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં 1-1 NDRF ટીમની ફાળવણી કરવામાં આવી છે. સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે NDRF ની ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં પૂરની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે NDRFની ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીવના જોખમે પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા નાગરિકો સુધી પહોંચીને જવાનોએ ભારે જહેમત બાદ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સુરતમાં હાથ ધરવામાં આવેલા આ મેગા રેસ્ક્યુ ઓપરેશનમાં કુલ 255 લોકોને હેમખેમ બચાવી લેવાયા છે. જેમાં 153 પુરુષો, 67 મહિલાઓ અને 35 બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં પણ રાજ્યના નીચાણવાળા વિસ્તારો પર તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code